Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બ્રિટનના શાહી પરિવારમાં ભંગાણ, પ્રિન્સ હેરી અને મેઘને શાહી વારસાનો ત્યાગ કર્યો

હેરી અને મેઘન પોતાની રીતે આત્મનિર્ભર બનવા માંગતા હોવાથી લીધો નિર્ણય

બ્રિટન, તા.૯: બ્રિટનના રાજપરિવારમાં ઐતિહાસિક ભંગાણ થવા જઈ રહ્યું છે. બ્રિટનના પ્રિન્સ હેરી અને તેની પત્ની મેદ્યન મર્કલે શાહી વારસાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રિન્સ હેરી બ્રિટનની મહારાણી એલિઝાબેથના પૌત્ર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરતા કહ્યું કે તેઓ અને તેમની પત્ની આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માગે છે અને આ માટે તેઓ બ્રિટનના શાહી પરિવારના વરિષ્ઠ સભ્યના પદ પરથી અલગ થઈ રહ્યા છે.

આ શાહી કપલ કેનેડામાં છ અઠવાડિયાની રજાઓ માણીને આ મહિને પરત ફરી રહ્યું છે. બ્રિટન પરત ફર્યા બાદ તે સાર્વજનિક જીવનમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. પ્રિન્સ હેરી અને મેદ્યને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'મહારાણી (એલિઝાબેથ), કોમનવેલ્થ અને સહયોગીઓ પ્રત્યે અમે અમારું કર્તવ્ય યથાવત્ રાખતા હવે યુનાઈટેડ કિંગડમ અને ઉત્તરી અમેરિકા વચ્ચે અમે અમારું જીવન ગુજારવાનો નિર્ણય લીધો છે.'

નોંધનીય છે કે મે ૨૦૧૮માં હેરી અને મેદ્યનના શાહી લગ્ન થયા હતા ત્યારબાદ બંનેને સકસેસના ડ્યુક અને ડચેસનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં તેમના પહેલા બાળક આર્ચી હેરિસન માઉંટબેટન વિંડસરનો જન્મ થયો હતો. થોડા સમયથી મીડિયામાં અટકળો ચાલી રહી છે કે હેરી અને મેદ્યનને ગયા વર્ષે પ્રિન્સ હેરીના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે કોઈ ખટરાગ ઊભો થયો છે જેનો સ્વિકાર એકવાર ખુદ આ શાહી કપલે કર્યો હતો.

હેરી અને મેદ્યનના આ નિર્ણયથી શાહી પરિવારમાં વધુ એક વખત ઈતિહાસનું પુનરાવર્તન થતું જોવા મળશે. અગાઉ ૧૯૩૬માં  બ્રિટનના રાજા એડવર્ડ આઠમાએ અમેરિકાની ડિવોર્સી મિસિસ સિમ્પસન સાથે પરણવા માટે રાજગાદીને ત્યજવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ૮૩ વર્ષે પ્રિન્સ હેરી અને મેદ્યને પણ શાહીપરિવારના વરિષ્ઠ સભ્યો તરીકે યથાવત નહીં રહેવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. રાણી એલિઝાબેથને હેરિ અને મેદ્યનની આવી હરકતની અગાઉ કોઈ જાણ નહીં હોવાથી તેઓ ગુસ્સે ભરાયા છે. બ્રિટિશ મીડિયામાં પણ પ્રિન્સ હેરી અને મેદ્યનના રાજપરિવારને છોડવાના અહેવાલોએ ખૂબજ ચર્ચા જગાવી છે.

(3:37 pm IST)