Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સોનામાં કડાકો ૧૦ ગ્રામે ૭૫૦ રૂ. તૂટયા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા ઘટતા ભાવમાં ઘટાડોઃ સોનાના ભાવ ઘટીને ૪૦૮૫૦ થયાઃ ચાંદીમાં પણ ૧૦૦૦ રૂ.નું ગાબડુ

રાજકોટ, તા. ૯ :. અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધના ભણકારા ઘટતા આજે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. સોનામાં ૧૦ ગ્રામે એક ઝાટકે ૭૫૦ રૂ.નુ ગાબડુ પડયુ હતું. જ્યારે ચાંદીમાં ૧૦૦૦ રૂ. ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા ઘટયા હોવાના અહેવાલે આજે સોેનાના ભાવમાં ભારે ગાબડુ પડયુ હતું. સોનામાં ૧૦ ગ્રામે ૭૫૦ રૂ. નિકળી ગયા હતા. ગઈકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) હાજરના ભાવ ૪૧૬૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૨ વાગ્યે ૪૦૮૫૦ રૂ.થઈ ગયા હતા. સોનાના બિસ્કીટમાં ૭૫૦૦ રૂ.નો કડાકો થયો હતો. ગઈકાલે સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૪,૧૬,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૪,૦૮,૫૦૦ થઈ ગયા હતા.

સોનાની સાથે ચાંદીના ભાવો પણ તૂટયા હતા. ચાંદીમાં આજે ૧૦૦૦ રૂ. ઘટી જતા ચાંદી ચોરસા ૧ કિલોના ભાવ ૪૮,૫૦૦ રૂ. હતા તે ઘટીને ૪૭,૫૦૦ થઈ ગયા છે.

અત્રે નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે તંગ સ્થિતિના પગલે છેલ્લા ૫ દિવસમાં સોનામાં ૧૦ ગ્રામે ૨૫૦૦ રૂ. અને ચાંદીમા ૨૦૦૦ રૂ.નો ઉછાળો નોંધાયો હતો.

(3:05 pm IST)