Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દાઉદનો જમણો હાથ ગણાતો એજાઝ લાકડાવાલા ઝડપાયો

પટણાથી ધરપકડઃ મુંબઇ લવાયોઃ ૨૫ કેસમાં વોન્ટેડ હતો

નવી દિલ્હી,તા.૯: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ખાસ સહયોગી રહી ચુકેલા એઝાઝ લાકડાવાલાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. એઝાઝ લાકડાવાલા મુંબઈના સૌથી કુખ્યાત ગેંગસ્ટરમાંનો એક હતો અને તે ગેંગસ્ટર છોટા રાજનનો પણ નજીકનો વ્યકિત રહી ચુકયો છે. વર્ષ ૨૦૦૩માં એવી પણ અફવા ઉડી હતી કે, બેંગકોકમાં દાઉદ ગેંગ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેનું મોત નિપજયું છે અને તે દ્યણા સમયથી ત્યાં જ રહી રહ્યો હતો. પરંતુ કહેવાય છે કે તે બેંગકોકથી કેનેડા નાસી ગયો હતો અને ત્યાં જ દ્યણો સમય રોકાયો હતો. ધરપકડ બાદ એઝાઝ લાકડાવાલાને પોલીસ અટકાયતમાં મોકલી આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદ લકડાવાલાએ છોટા રાજન સાથે હાથ મિલાવ્યા તેનાથી ભારે નારાજ હતો. આ અગાઉ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભાગેડુ ગેંગસ્ટર એઝાઝ લાકડાવાલાની દિકરીને બનાવટી પાસપોર્ટ પર વિદેશ જવાના પ્રયાસમાં અટકાયતમાં લેવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોનિયા લાકડાવાલા ઉર્ફે સોનિયા શેખ શુક્રવારે મોડી રાત્રે નેપાળ જતી ફ્લાઈટમાં સવાર થઈ નાસી છુટવાની ફિરાકમાં હતી પરંતુ તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. સોનિયાના દસ્તાવેજો તપાસ્યા બાદ તે બનાવટી નિકળતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

૨૦૧૯ના શરૂઆતમાં ખારના એક બિલ્ડરે એઝાઝ લાકડાવાલા અને તેના ભાઈ અકિલ વિરૂદ્ઘ પરાણે ખંડણી માંગવાના કેસમાં પોલીસ ફરિયાદ કરી હતી અને અકીલની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકીલે અમને જણાવ્યું હતું કે, સોનિયા પાસે બનાવટી પાસપોર્ટ છે અને તે દેશ છોડીને ભાગવાની ફિરાકમાં છે. અમને સૂચના મળી હતી કે તે બાળકી સાથે જ મુંબઈ એરપોર્ટ પર છે. ત્યાર બાદ તુરંત એક ટીમે કસ્ટમ અધિકારીઓને સુચના આપી હતી અને સોનિયાને અટકાયતમાં લેવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, સોનિયાને ગત વર્ષે મુંબઈથી પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો પરંતુ તેના માટે જરૂરી દસ્તાવેજો બનાવટી હતા. સોનિયા વિરૂદ્ઘ પાસપોર્ટ કાયદો અને આઈપીસી અંતર્ગત છેતરપિંડી અને ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ખારના બિલ્ડર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તેનો કોઈ હાથ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

(3:06 pm IST)