Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દિપીકા પાદુકાણની ફિલ્મનો બહિષ્કાર કરાશે નહીં : પ્રકાશ જાવડેકરનો મત

દિપીકા પાદુકાણ જેએનયુ કેમ્પસમાં જતાં જોરદાર વિવાદ : દિપીકા પાદુકાણ ટુકડે ટુકડે ગેંગની સાથે ઉભી છે તેમજ દેશ વિરોધી તાકાતોને સમર્થન આપી રહી છે : ભાજપ દ્વારા પ્રતિક્રિયા

નવીદિલ્હી, તા.૮  :દિપીકા પાદુકાણના જેએનયુ કેમ્પસમાં જવાની સાથે જ કેટલાક સંગઠનોએ તેની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી  છે. કેન્દ્રીયમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, કોઇપણ સંસ્થામાં જવા માટે દિપીકા સ્વતંત્ર છે. અમે ફિલ્મનો બહિષ્કાર કરીશું નહીં. દિપીકાએ જેએનયુ કેમ્પસમાં ઘાયલ થયેલા વિદ્યાર્થી અધ્યક્ષ આઈસી ઘોષને મળવા માટે પહોંચ્યા હતા અને ૧૦ મિનિટ સુધી દિપીકા કેમ્પસમાં રહી હતી. ટ્વિટર ઉપર દિપીકાની ફિલ્મના બહિષ્કારની કોઇ વાત કરી નથી. બીજી બાજુ દિપીકાની ફિલ્મના બહિષ્કારને લઇને મેસેજો આવતા થઇ ગયા છે.

દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દરપાલ બગ્ગાએ દિપીકાને દેશવિરોધી તાકાતોને સમર્થન કરનાર તરીકે ગણાવીને તેની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. દક્ષિણ દિલ્હીથી સાંસદ રમેશ બિધુડીએ પણ દિપીકાની ટિકા કરતા કહ્યું છે કે, દિપીકા ટુકડે ટુકડે ગેંગનું સમર્થન કરી રહી છે. ભારતની સ્વતંત્ર નાગરિક હોવાથી દિપીકા કોઇપણ જગ્યાએ જઇ શકે છે. માત્ર કલાકાર જ નહીં ભારતના દરેક નાગરિક કોઇપણ ટિપ્પણી કરવા માટે સ્વતંત્ર છે.  અમે તેમની ફિલ્મના બહિષ્કારનું સમર્થન કરતા નથી. જેએનયુ હિંસાની સામે દિલ્હી સહિત દેશના કેટલાક મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. દિપીકાના જેએનયુમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ હોવાના અહેવાલ આવતા ખળભળાટ મચી ગયો છે.

(12:00 am IST)