Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કુંભમેળામાં ૧૦,૦૦૦ લોકો બન્યા નાગા સાધુઃ દીક્ષા લેનારમાં ડોકટરો-ઈજનેરો વગેરે

તગડો પગાર-નોકરી છોડી આવ્યા યુવકો નાગા સાધુ બનવા

નવી દિલ્હી, તા. ૪ :. પ્રયાગરાજમાં હાલ કુંભમેળો ચાલુ છે જે દરમિયાન અનેક યુવાનો નાગા સાધુ બન્યા છે. ગયા સપ્તાહે હજારો યુવકોએ મુંડન કરાવ્યું હતું અને ખુદનું પીંડદાન કર્યુ હતું. રાતભર ચાલેલી અગ્નિપૂજા બાદ આ બધા પ્રાચીન પરંપરા અનુસાર નાગા સાધુ બન્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ લોકોમાં મોટી સંખ્યામાં એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ પણ છે.

નાગા સાધુ બનવા આવેલા ૨૭ વર્ષના રજતકુમાર રાયનું કહેવું છે કે, મેં કચ્છથી મરીન એન્જીનીયરીંગમાં ડિપ્લોમાં લીધેલ છે. સારો પગાર પણ મળતો હતો પણ સંસાર ત્યાગ કરી નાગા સાધુ બનવા નિર્ણય લીધો. આ સિવાય નાગા સાધુ બનેલા ૨૯ વર્ષના શંભુગીરી યુક્રેનથી મેનેજમેન્ટ ગ્રેજયુએટ છે. ૧૮ વર્ષીય  ઘનશ્યામગીરી ઉજ્જૈનથી ૧૨માં ધોરણના ટોપર છે.

૧૦,૦૦૦થી વધુ યુવકો નાગા સાધુ બન્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદ હેઠળ તેઓ નાગા સાધુ બન્યા છે.

જૂના અખાડાના ચીફ ગવર્નર મહંત હરિગીરીનું કહેવું છે કે દીક્ષા સમારોહ માત્ર કુંભ દરમ્યાન જ થાય છે અને દર વખતે તેમા સામેલ થવા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. અનેક મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે પણ દીક્ષા લેવા આવ્યા છે. કેટલાક તો ડોકટર - એન્જીનીયર પણ છે.

તેમણે કહ્યુ હતું કે, એક વખત તેઓ અખાડાનો ભાગ બની જાય પછી રસ્તો કપરો હોય છે. બધી પરીક્ષા પાસ કરે પછી અમે સંતુષ્ઠ થાય પછી તેઓ નાગા સાધુ બને છે.(૨-૭)

 

(11:56 am IST)