Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોના પર નિયંત્રણ મેળવવા સરકારે સેનાની મદદ માગી

દિલ્હીમાં લોકડાઉન બાદ પણ નિયંત્રણ લેવામાં મુશ્કેલી : જે રીતે ડીઆરડીઓએ એક હોસ્પિટલ તૈયાર કરી આપી છે તે રીતે દિલ્હીમાં સેના બીજી હોસ્પિટલ તૈયાર કરી આપે

નવી દિલ્હી, તા. ૩ : દિલ્હીમાં લોકડાઉન લગાવ્યા પછી પણ કોરોના પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.લોકોના સતત મોત થઈ રહ્યા છે અને હવે દિલ્હી સરકારે કોરોના પર લગામ કસવા માટે ભારતીય સેનાની મદદ માંગી છે.

ત્રીજા તબક્કાના વેક્સીનેશન અભિયાન પહેલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે, દિલ્હી સરકારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પત્ર લખીને સેનાની મદદ માંગી છે.જે રીતે ડીઆરડીઓએ એક હોસ્પિટલ તૈયાર કરી આપી છે તે રીતે દિલ્હીમાં સેના બીજી હોસ્પિટોલ તૈયાર કરી આપે , સાથે સાથે ઓક્સિજન સિલિન્ડર અને બીજી વ્યવસ્થા માટે સેનાના કામે લગાડવામાં આવે.

સિસોદિયાએ કહ્યુ હતુ કે, દિલ્હીમાં ૭૬ સ્કૂલોમાં વેક્સીનેશન શરુ કરવામાં આવ્યુ છે.દિલ્હીમાં ૧૦૦ ટકા લોકોને વેક્સીન લાગશે તેવી અમને આશા છે.હાલમાં દિલ્હીને ૪.૫ લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં જ દિલ્હી સરકારની ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે, તમે કોરોના સામેની લડાઈમાં સેનાની મદદ કેમ નથી લીધી?સેના પાસે કામ કરવાની પોતાની રીત છે અને પોતાની સુવિધાઓ છે.જો તમે નિષ્ફળ રહ્યા તો તમારે સેનાની મદદ માંગવી જોઈતી હતી અને તે વખતે દિલ્હી સરકારના વકીલે આ બાબતે આગળ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

(7:44 pm IST)