Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કર્ણાટકની કરૂણાંતિકા : ગંભીર લાપરવાહી : પરિવારજનોનો વલોપાત

ઓકસીજન વગર ૨૪ દર્દીઓ તડપી તડપીને મરી ગયા

ચામરાજનગર જિલ્લા હોસ્પિટલની ઘટના : માતમ છવાયો : હોસ્પિટલમાં કોરોનાના ૧૪૪ દર્દીઓ હતા : તપાસના આદેશો

બેંગ્લુરૂ તા. ૩ : દેશમાં ઓકિસજનની અછતથી મૃત્યુનો સિલસિલો થમવાનું નામ લઇ રહ્યો નથી. હવે કર્ણાટકના ચામરાજનગરમાં ઓકિસજનની અછતથી ૨૪ દર્દીના મોત થઇ ગયા છે. આ ઘટના ગઇકાલે મધ્યરાત્રીની છે. આ ઘટના બાદ મૈસૂરથી ચામરાજનગર માટે અઢીસો ઓકિસજન સિલિન્ડર મોકલવામાં આવ્યા. જાણવા મળી રહ્યું છે કે જીવ ગુમાવનારા વધુ પડતા લોકો વેન્ટીલેટર પર હતા. ઓકિસજન સપ્લાય પૂર્ણ થયા બાદ તેઓ તડપીને મૃત્યુ પામ્યા અને પરિજનોનો વલોપાત રોકાઇ રહ્યો નથી.

નોંધનીય છે કે ચામરાજનગરની જે હોસ્પિટલમાં આ ઘટના થઈ છે તેને બેલ્લારૂની એક હોસ્પિટલમાંથી ઓકસીજન મળવાનો હતો પરંતુ ઓકસીજન આવવામાં મોડું થઈ ગયું જેના કારણે મોતનું તાંડવ જોવા મળ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને ઓકસીજન ન મળતા આ દર્દીઓ તડપવા લાગ્યા અને ભયંકર પરિસ્થિતિમાં તેમનું મોત થઈ ગયું, હોસ્પિટલની બહાર દર્દીઓના પરિજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે.

ઓકિસજનના અભાવને કારણે દર્દીઓના મોતથી તેમના પરિવારજનોએ સૂચના મળતા હંગામો મચાવ્યો હતો. રડતા પરિવારજનો હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને લોકોને શાંત પાડ્યા હતા. અધિકારીઓએ પણ આ કેસની તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા પ્રભારી મંત્રી સુરેશ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલનું નિરિક્ષણ કર્યું અને કહ્યું કે અમે ડેથ ઓડિટ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે ડેથ ઓડિટ રિપોર્ટ બહાર આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

આ જ દિવસે યદગિર સરકારી હોસ્પિટલમાં લાઇટ કટ થઈ જવાથી વેન્ટિલેટર પર રહેલા એક દર્દીઓનું મોત થઈ ગયું હતુ. છેલ્લા એક અઠવાડિયામાં કર્ણાટકની અનેક હોસ્પિટલોમાં અનેક લોકોના મોત ઓકિસજનના અભાવે થયા છે. અત્યારે કર્ણાટકમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૬ લાખ પાર થઈ ગઈ છે. રવિવારના ૩૭ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા અને ૨૧૭ કોરોના દર્દીઓના મોત થયા. કોરોના સંક્રમિતોએ બેડ અને ઓકિસજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે ૮ દર્દીઓના મોત થયા હતા.

(3:16 pm IST)