Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મેડિકલ - નર્સિંગ વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી ?

સમીક્ષા બેઠક : પીએમએ જાણ્યા નિષ્ણાંતોના સૂચન

નવી દિલ્હી તા. ૩ : દેશમાં બેકાબૂ થઇ રહેલા કોરોના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ નિષ્ણાતો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન દેશમાં ઓકિસજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

બેઠકમાં મેડિકલ અને નર્સિંગ અભ્યાસક્રમમાંથી પાસઆઉટ થયેલા કે અભ્યાસક્રમમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને કોવિડ ડયુટીમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવાને મુદ્દે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એમબીબીએસ પાસઆઉટ વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી માટે પ્રોત્સાહિત કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એમબીબીએસ અને નર્સિંગ ફાઇનલ યરમાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સેવા લેવા પણ વિચારણા કરવામાં આવી.

કોવિડ ડયુટી કરનારા મેડિકલ પર્સનલ્સને આર્થિક પ્રોત્સાહન આપવાની સાથે સરકારી નિમણુકોમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે. મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન મહામારી શતાબ્દિઓમાં એકવાર આવતું સંકટ છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ પ્રધાનોને પોતપોતાના વિસ્તારના લોકોમાં સંપર્કમાં રહેવા, તેમના ફીડબેક લેવા અને તેમને મદદ કરવા જણાવ્યું હતું. બીજી તરફ ભારતની સશસ્ત્ર સેનાઓને ઇમરજન્સી નાણાકીય સત્તાઓ અપાઇ ચુકી છે, કે જેથી તેઓ બિમારીનો સામનો કરવા જરૂરી ઉપાય કરી શકે.

(11:05 am IST)