Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉન વચ્ચે પણ નમાઝ માટે મુસ્લિમ લોકો ઉમટ્યા

કન્નોજ અને સહારનપુરમાં પોલીસ પર પથ્થરમારો : કઠોર નિયમો પાળવા સૂચના છતાંય નમાઝ માટે પડાપડી

કન્નોજ, તા. : લોકડાઉનની સ્થિતિ હોવા છતાં મુસ્લિમ સમાજના લોકો હજુ પણ સહકાર આપી રહ્યા નથી જેના પરિણામ સ્વરુપે એક પછી એક જટિલ સમસ્યાઓ ઉભી થઇ રહી છે. લોકડાઉનમાં પણ નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી. તેમને દૂર કરવા માટે પહોંચેલી પોલીસ ટુકડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા છે. બે કોન્સ્ટેબલોને પણ ઇજા થઇ છે. આજે શુક્રવારના દિવસે ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લામાં જુમ્માની નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા. સમુહમાં નહીં આવવાની સૂચના હોવા છતાં લોકોએ ફરીવાર નિયમોનો ભંગ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ નમાઝ અદા કરવા માટે પહોંચેલા લોકોએ પોલીસ ઉપર જોરદાર પથ્થરમારો કર્યો હતો.

        આ ઘટનામાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે. જુમ્માની નમાઝ માટે કન્નોજના હાથીગંજ સ્થિત જામા મસ્જિદમાં નમાઝિયોની ભીડ જામી હતી. સૂચના મળ્યા બાદ પોલીસની ટીમે પહોંચ્યા બાદ તેમને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી દીધો હતો. સ્થિતિ વણસી ગયા બાદ પોલીસ કર્મીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. કાનપુર રેંજના આઇજી મોહિત અગ્રવાલે કહ્યું છે કે, સ્થિતિ ખતરાથી બહાર છે. કેટલાક લોકોને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવામાં આવી રહી છે. આવીજ ઘટના સહારનપુરના જમાલપુર ગામમાં પણ જોવા મળી હતી. અહીં નમાઝ અદા કરવા માટે મસ્જિદની બહાર એકત્રિત લોકોને દૂર કરવા પહોંચેલી પોલીસ ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પણ બેને ઇજા થઇ છે. કેટલીક મહિલાઓ સહિત ૨૬ લોકો સામે કેસ દાખલ કરાયો છે.

(7:57 pm IST)