Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મહિલાઓના જનધન ખાતામાં કેન્દ્ર આજથી જમા કરશે રૂપિયા

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આગામી ૩ મહિના સુધી દર મહિને ૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી, તા.૩: કોરોના વાયરસના કારણે દેશભરમાં થયેલા લોકડાઉનની વચ્ચે જનધન ખાતું ધરાવતી મહિલાઓના ખાતામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના રૂપિયા આવવાના શરૂ થઈ જશે. ખાતાધારક પોતાની મરજી અને જરૂરિયાત મુજબ ગમે ત્યારે રૂપિયા ઉપાડી શકે છે. જોકે, ઈન્ડિયન બેંકસ એસોસિએશન (IBA) તરફથી અપીલ કરવામાં આવી છે કે, સોશયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવામાં આવે.

સોશયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા IBAએ કહ્યું કે, બેંકોમાં ભીડ વધે નહીં, તેના માટે ખાતા નંબર મુજબ અલગ-અલગ દિવસ નક્કી કરાયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આર્થિક મદદ આપવાના હેતુથી મહિલાઓના ખાતામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આગામી ૩ મહિના સુધી દર મહિને ૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. તેનાથી જન-ધન ખાતા ધરાવતી લગભગ ૨૦ કરોડ મહિલાઓને લાભ થશે.

જે જનધન મહિલા ખાતાધારકોના ખાતા નંબરના છેલ્લા આંકડા ૦ કે ૧ છે, તેમના ખાતામાં ૩ એપ્રિલે રૂપિયા આવશે. તો, ખાતાના અંતમાં આંકડો ૨ કે ૩ હશે તે ખાતાધારકોના ખાતામાં ૪ એપ્રિલે રૂપિયા જમા કરાવાશે. આઈબીએ મુજબ, જે લાભાર્થીઓના ખાતા નંબરના છેલ્લો આંકડો ૪ કે ૫ છે, તેમના ખાતામાં ૭ એપ્રિલે રૂપિયા જમા કરાવાશે. તો જે ખાતાધારકોના ખાતા નંબરનો છેલ્લો આંકડો ૬ કે ૭ છે, તેમના ખાતામાં બીજા ૮ એપ્રિલે અને જેમના છેલ્લા નંબર ૮ કે ૯ છે તેમના ખાતામાં ૯ એપ્રિલે રૂપિયા જમા કરાવાશે.

આઈબીએ કહ્યું કે, ૯ એપ્રિલ પછી આવા લાભાર્થી ગમે ત્યારે પોતાના રૂપિયા ઉપાડી શકશે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે, લાભાર્થી એટીએમ, બેંક મિત્ર, ગ્રાહક સેવા કેન્દ્ર વગેરેમાંથી પણ પોશ મશીનના માધ્યમથી રૂપિયા ઉપાડી શકે છે. નાણા મંત્રીની જાહેરાત મુજબ, ૩૦ જૂન સુધીમાં કોઈપણ એટીએમથી ટ્રાન્જેકશન કરવા પર કોઈ ચાર્જ નહીં લેવામાં આવે.

તે ઉપરાંત બેંકોએ પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓને પણ જોવાના છે. તે અંતર્ગત પહેલા હપ્તાના રૂપમાં ૨,૦૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ યોજનામાં વર્ષમાં ત્રણ હપ્તામાં ૬,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. બેંકોએ આગામી ૩ મહિનામાં ૩ કરોડ ગરીબ વિધવા પેન્શન લાભાર્થીઓ અને ગરીબ દિવ્યાંગોના ખાતામાં ૧,૦૦૦ રૂપિયા આપવા કહેવાયું છે.

(11:36 am IST)