Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ટ્રમ્પના વિવાદાસ્પદ પોસ્ટને ન હટાવવાના મુદ્દે ફેસબુકમાં ભાગલા : બે જૂથમાં વહેચાયું

પોસ્ટને ડિલેટ ના કરવાને લઇને કંપનીના નિર્ણય પર અસંતોષ

નવી દિલ્હી : પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોયડના મોત પછી શરૂ થયેલા વિરોધ પ્રદર્શન વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગયો છે. પોલીસ સતત સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે ફેસબુકથી જોડાયેલ એક સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુકે કર્મચારીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ એક વિવાદાસ્પદ પોસ્ટને ડિલેટ ના કરવાને લઇને પોતાની કંપનીના નિર્ણય પર અસંતોષ જાહેર કર્યો છે.

પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોયડના મોતને લઇને મિનેપોલીસમાં થઈ રહેલા પ્રદર્શનો પર ટ્રમ્પે પોતાના એક ટ્વીટને ફેસબુક પર પણ પોસ્ટ કર્યુ હતુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પોસ્ટ ગત અઠવાડિયે કરી હતી. ટ્વીટરે ટ્રમ્પ પર વોર્નિંગ જારી કરી છે. ટ્વીટરનું કહેવુ છે કે, આ હિંસાને પ્રોત્સાહન આપે છે જ્યારે ફેસબુકના મતે આ પોસ્ટ કંપનીની પોલિસીનું ઉલ્લંઘન નથી કરતી. સાથે જ ફેસબુકના કેટલાક કર્મચારીઓએ જણાવ્યુ કે, કંપનીના આ નિર્ણય પર તેઓ શર્મિંદા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, તેઓ હિંસા પર કાબૂ મેળવવા માટે નેશનલ ગાર્ડની તૈનાતી કરશે અને આગળ ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે, જ્યારે લૂટ શરૂ થશે તો ગોળીબાર પણ શરૂ થશે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ મુજબ, ટ્રમ્પની પોસ્ટથી હિંસાને પ્રોત્સાહનને લઇને કંપનીની નીતિનું ઉલ્લંઘન નથી થયુ. તેના કારણે આ પોસ્ટને હટાવવામાં નહીં આવે. જો કે, ઝુકરબર્ગના આ નિર્ણયના કારણે ફેસબુકના કર્મચારી ખુશ નથી દેખાઇ રહ્યા અને તેમણે બહિષ્કાર કરતા પોતાનું કામ છોડવાની વાત કહી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં પોલીસ કસ્ટડી દરમિયાન અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોત પછી અમેરિકા એક વાર ફરીથી શ્વેત અને અશ્વેતની લડતમાં આગ ભભૂકા થઈ રહ્યુ છે. અમેરિકાના અનેક શહેરમાં હિંસા થઈ રહી છે. પ્રદર્શનકારીઓ તરફથી લૂટના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસના વાહનો સાથે અનેક બિલ્ડિંગને આગને હવાલે કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા વોશિંગ્ટન સહિત 40 શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બધા પ્રભાવિત શહેરોના ગવર્નરો સાથે વાતચીત કરી તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.

(7:50 pm IST)