Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દેશનું નામ ભારત કરવા સુપ્રીમમાં જાહેર અરજી

કોર્ટની બેંચ ન બેસતા સુનાવણી ત્રીજી જૂન સુધી ટળી : અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો દેશ એક તો દેશના બે અલગ નામ કેમ?, ઇન્ડિયા નામ અંગ્રેજોની ગુલામીનું પ્રતીક

નવી દિલ્હી, તા. ૨ : દેશની સુપ્રીમ કોર્ટમાં દેશના નામ બાબતે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં અપીલ કરવામાં આવી છે કે આપણા દેશનું નામ  ઈન્ડિયાની જગ્યાએ ફક્ત 'ભારત' જ રાખવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારના રોજ સુનાવણી થવાની હતી અને ચીફ જસ્ટિસની બેંચમાં સુનાવણી થવાની હતી પરંતુ આજે ચીફ જસ્ટિસની બેંચ બેઠી નહતી. જેના કારણે સુનાવણીને બુધવાર ૩ જૂન સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અપીલમાં કહેવામાં આવ્યું છે કે આપણા દેશનું અસલી નામ ભારત છે. તેની ઓળખ ભારત તરીકે થાય તે જરૂરી છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે દેશના શહેરોના નામને પણ બદલીને ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના રાખી રહ્યા છે.

અપીલમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા નામ અંગ્રેજોની ગુલામીનું પ્રતીક છે તેને હટાવી દેવાની જરૂર છે. આ સાથે જ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની પહેલી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયા એટલે 'ભારત'. પરંતુ વાંધો એ છે કે જ્યારે દેશ એક જ છે તો તેનાં બે અલગ-અલગ નામ કેમ છે? એક જ નામનો ઉપયોગ કેમ ન કરી શકાય? સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ભારત' અથવા 'હિંદુસ્તાન' શબ્દ આપણી રાષ્ટ્રીયતા પ્રતિ ગૌરવનો ભાવ જાગૃત કરે છે. તેથી અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારને કાયદાની કલમ એકમાં ફેરફાર કરવા માટે જરૂરી પગલાં લઈને ઈન્ડિયા શબ્દને સુધારીને, 'ભારત' અથવા 'હિંદુસ્તાન' કરવાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી છે.

(7:46 pm IST)