Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાહુલ ગાંધી પણ શરૂ કરશે 'મન કી બાત'

ટુંક સમયમાં પોડકાસ્ટ સર્વિસનો પ્રારંભ કરશે

નવી દિલ્હી તા. ૨ : કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મન કી બાત જેવા કાર્યક્રમની શરૂઆત કરી શકે છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે નામ જાહેર ન કરવાની શરતે કોંગ્રેસ પાર્ટીનાં એક નેતાએ કહ્યું કે, 'અમે હાલમાં તેના પર કેવી રીતે કામ કરી શકીએ તેની યોજના બનાવી રહ્યા છીએ અને તેની ચર્ચા કરી રહ્યા છીએ. અમે નિષ્ણાતોની સલાહ પણ લઈ રહ્યા છીએ. આ માટે રાહુલ ગાંધી આગામી સમયમાં પોડકાસ્ટ સર્વિસ પણ અજમાવી શકે છે. એક અખબાર અનુસાર કોંગ્રેસ પાર્ટી તેની તૈયારી કરી રહી છે.'

કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યકિતએ કહ્યું કે, તેઓ લિંકિડન પ્લેટફોર્મ પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે લોકડાઉન સમયે પાર્ટીનાં સોશિયલ મીડિયા અભિયાનને નોંધપાત્ર ટેકો મળ્યો હતો. તેમણે કહ્યું, 'અમારી ઓનલાઇન ઝુંબેશ સ્પીક અપ ઈન્ડિયા'ને ૨૮ મે નાં રોજ ઘણો ટેકો મળ્યો. એક જ દિવસમાં ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચ મિલિયનથી વધુ સંદેશા પ્રાપ્ત થયા છે.

નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. લોકડાઉન દરમિયાન રાહુલ ગાંધીએ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૨,૯૪,૦૦૦ સબસ્ક્રાઇબર્સ થઇ ચુકયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં પ્રવાસી મજૂરો સાથેની વાતચીતને તેમની ચેનલ પર સાડા સાત કરોડથી વધુ વખત જોવામાં આવી હતી. વળી આરોગ્ય નિષ્ણાતો પ્રોફેસર આશિષ ઝા અને પ્રોફેસર જોહાન ગિસકે સાથે કોરોનો વાયરસ અંગેની તેમની વિડીયો વાતચીત ૯૦,૦૦૦થી વધુ લોકો સુધી પહોંચી.

(12:50 pm IST)