Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજ્યની બ્લડ બેંકોમાં રકતની કારમી અછત

બ્લડ બેંકો પાસે માત્ર ૨૦ ટકા જ સ્ટોક : લોકોને બ્લડ ડોનેટ કરવા હાકલ

નવી દિલ્હી તા. ૨ : જો તમારા પરિવારમાં કોઈ મેડિકલ ઈમરજન્સી આવી પડે તો પૂરા ચાન્સ છે કે તમારે બ્લડ ડોનેટ કરવું પડે. કારણ કે લોકડાઉનના ૬૭ દિવસોમાં શહેરની મોટાભાગની બ્લડ બેંકોમાં હવે માત્ર અમુક યુનિટનો સ્ટોક પડ્યો છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના અમદાવાદ જિલ્લા બ્રાન્ચના ચેરમેન કિરણ ચુડગર કહે છે કે, 'તેમની પાસે સામાન્ય રીતે રહેતા સ્ટોકના માત્ર ૨૦ ટકા સ્ટોક પડ્યો છે. તેઓ કહે છે, સામાન્ય રીતે મહિનામાં અમને ૫૦૦૦-૭૦૦૦ યુનિટ બ્લડ મળતું હોય છે જે પાછલા મહિને માત્ર ૧૦૦૦ યુનિટ થઈ ગયું. તેમાંથી અંદાજે ૮૦૦ યુનિટ થેલેસેમિક બાળકો માટે જ જોઈતું હોય છે.'

અમદાવાદમાં આવેલા પ્રથમા બ્લડ સેન્ટરમાં પણ આવી જ સ્થિતિ છે. ત્યાંના ડિરેકટર ડો. રિપલ શાહ કહે છે, અમારે મહિને ૩૦૦૦ યુનિટ્સ બ્લડ એકઠું થતું હતું, જેની સામે પાછલા મહિને માત્ર ૮૦૦ યુનિટ બ્લડ મળ્યું, જે ૨૬ ટકા થાય છે.

એકસપર્ટ્સના કહેવા મુજબ, નાની બ્લડ બેંકોમાં સ્થિતિ વધારે ગંભીર છે. ISBTIના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. સંજય ગુપ્તાએ કહ્યું, નાની બેંકો પાસે ઓછો સ્ટોક હશે. હાલમાં જ અમને સર્જરી માટે બ્લડની જરૂર હતી, અમે મુશ્કેલીથી બે યુનિટ મેળવી શકયા. તેઓ કહે છે, આ ઉપરાંત થેલેસેમિક, સર્જરીની જરૂર હોય તેમાં, બ્લડ કેન્સરના દર્દીઓ અને અન્ય બ્લડ સંબંધિત બીમારીઓના દર્દીઓને પણ લોહીની જરૂર પડતી હોય છે.

ચુડગરે કહ્યું, બ્લડ બેંકોની સ્થિતિ લોકડાઉન અને લોકોમાં કોરોનાનો ભય દર્શાવે છે. કોલેજ જતા અને ઓફિસ જનારા લોકો સૌથી વધુ લોહી આપતા હોય છે. પરંતુ લોકડાઉનના કારણે કોલેજો અને ઓફિસો બંધ છે. બ્લડ કેમ્પનું આયોજન કરવું પણ શકય નથી. તેઓ કહે છે, લોકોને ભય છે કે તેઓ બ્લડ આપવા હોસ્પિટલ કે બ્લડ બેંકમાં આવશે તો તેમને કોવિડ-૧૯નું સંક્રમણ લાગી જશે. આપણે આ ભ્રમ દૂર કરવામાં થોડો સમય લાગશે. ડો. રિપલ શાહ કહે છે, અમે બ્લડ કલેકશન માટે ડોનરના ઘર સુધી વાન મોકલીએ છીએ. અમારી પાસે રેગ્યુલર બ્લડ ડોનર્સનું લિસ્ટ છે ઈમરજન્સીની સ્થિતિમાં અમે કોઈ ચોક્કસ બ્લડ ગ્રુપ માટે તેમનો સંપર્ક કરતા હોઈએ છીએ. પરંતુ અમે અમદાવાદી લોકોને વિનંતી કરીએ છીએ કે જીવન બચાવવા માટે લોહી ડોનેટ કરે.

ગુજરાતના અન્ય મોટા શહેરોની સ્થિતિ કંઈ અલગ નથી. સુરત રકતદાન કેન્દ્રના CEO ડો. નરેન્દ્ર વસાવડા કહે છે, અમારો રોજના ૭૦ યુનિટ બ્લડની જરૂર હોય છે, પરંતુ મોટા કેમ્પનું આયોજન ન થઈ શકવાથી માત્ર ૩૯ યુનિટ બ્લડ મળી રહ્યું છે.

વડોદરાની ઈન્દુ બ્લડ બેંકના મેડિકલ ડિરેકટર ડો. વિજય શાહ કહે છે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને જરૂરી બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માટે મંજૂરી આપવામાં આવે. જે સંપૂર્ણ સાવધાની સાથે યોજાશે. આવા કેમ્પમાં ૧૦૦થી ૫૦૦ યુનિટ લોહીનું કલેકશન થઈ શકે છે.

જયારે રાજકોટમાં IRCSના પ્રેસિડેન્ટ દીપક પટેલ કહે છે, 'લોકડાઉન પહેલા અમને રોજનું ૫૦ યુનિટ લોહી મળતું જે એપ્રિલમાં ઘટીને ૧૦ યુનિટ થઈ ગયું. જોકે અમારા પ્રયાસોથી તે ફરી ૨૫ યુનિટે પહોંચ્યું છે. બ્લડની ડિમાન્ડ વધવાની શકયતા વચ્ચે પૂરતી સપ્લાય નથી મળી રહી.'

(11:19 am IST)