Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

૧ સપ્તાહમાં જીવ ગુમાવનાર દર ૧૦માંથી ૭ કોરોના દર્દી ડાયાબિટીસથી પીડિત

દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ છે તે પૈકી મોટાભાગના સુગર દર્દીઓ ટાઈપ-૨ ડાયાબિટીસનો શિકાર છે

નવી દિલ્હી, તા.૧: સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ ૫,૩૯૪ લોકોના મોત થયા છે. ત્યારે હાલમાં જ ફ્રાંસમાં થયેલા એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે કોરોના વાયરસના કારણે તે દર્દીઓના વધુ મોત થયા છે કે જેઓમાં ડાયાબિટીસનો રોગ હતો.

આ રિસર્ચમાં તેવું પણ જાણવા મળ્યું છે કે ડાયાબિટીસનો રોગ ધરાવતા જે દર્દીઓ કોરોના વાયરસ સંક્રમિત થયા છે તેવા ૧૦ પૈકી ૭ દર્દીએ માત્ર અઠવાડિયામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિવાય સુગરના જે દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે તેમાં દર ૫જ્રાક્નત્નદ્મક ૧ દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે. આ પરિણામથી જાણી શકાય છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કોરોના વાયરસનું સંક્રમણ કેટલું ખતરનાક છે.

અન્ય એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના કારણે જે દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ છે તે પૈકી મોટાભાગના સુગર દર્દીઓ ટાઈપ-૨ ડાયાબિટીસનો શિકાર છે. આપણી જીવનશૈલી અને ખોરાકના કારણે સુગરનો જે રોગ થાય છે તેને ટાઈપ-૨ ડાયાબિટીસ કહેવાય છે. આ રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે આ દર્દીઓમાં પુરુષોની સંખ્યા વધારે છે. જેનો મતલબ એવો થાય છે કે સુગરના પુરુષ દર્દીઓ જલદી કોરોના વાયરસનો શિકાર થાય છે. તેમાં પણ જે દર્દીની ઉંમર ૬૦ કરતા વધુ હોય તેઓ કોરોના વાયરસનો જલદી શિકાર થાય છે તેવું સામે આવ્યું છે.

આ રિસર્ચ સાથે જોડાયેલા એકસપર્ટ્સનું એવું પણ કહેવું છે કે મેડિકલની સ્થિતિ વિવિધ વિસ્તારો મુજબ અલગ-અલગ હોય છે. પણ એક વાત સ્પષ્ટ છે કે મોટી ઉંમરના જે લોકો સુગરના રોગથી પીડિત છે તેમણે કોરોના વાયરસથી સાવધાન રહેવાની જરૂર છે.

આ અંગે એકસપર્ટ ડોકટરના જણાવ્યા મુજબ જે લોકો ડાયાબિટીસના દર્દી છે તેઓમાં કોરોના વાયરસના કારણે અન્ય બીમારીઓ પણ ગંભીર રૂપ ધારણ કરે છે. જેમાં હાર્ટ અને કિડની સાથે જોડાયેલી બીમારીઓ પણ હોઈ શકે છે. માટે કોરોના વાયરસની મહામારી દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેઓ પોતાની દવાઓ સમયસર લે અને બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી છે.(૨૩.૫)

(9:35 am IST)