Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વર્ચ્યુઅલ મિટિંગના તમાશાથી કશું જ નહીં થાય : મધ્ય પ્રદેશના મૈહરભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી

એમપી ભાજપના જ ધારાસભ્યનો સરકાર પર હુમલો : મૈહર ભાજપના ધારાસભ્ય ત્રિપાઠીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારની કાર્ય પદ્ધતિ સામે સવાલ ઊભા કર્યા

નવી દિલ્હી, તા. : મધ્ય પ્રદેશના મૈહર ખાતેથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ પોતાની પાર્ટીની સરકાર પર ભારે મોટો હુમલો કર્યો છે. નારાયણ ત્રિપાઠીએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને કોરોના કાળમાં મધ્ય પ્રદેશ સરકારની કામ કરવાની પદ્ધતિ સામે સવાલ કર્યા છે.

નારાયણ ત્રિપાઠીએ પત્ર લખીને મધ્ય પ્રદેશના લોકો માટે દવાઓ, વેન્ટિલેટર, બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, કોરોનાના કારણે વિંધ્યની સ્થિતિ તો ખરાબ છે પરંતુ સ્થિતિ સંપૂર્ણ મધ્ય પ્રદેશની પણ છે. દર્દીને સતનાથી રીવા રિફર કરવા માટે કોઈ સુવિધા નથી. સંક્રમિત દર્દીઓને રીવાથી જબલપુર લઈ જવાનો કોઈ ફાયદો નથી. સારવારની મંડી સમાન નાગપુરની સ્થિતિ ખૂબ ખરાબ છે. ભોપાલ હોય કે દિલ્હી બધાની સ્થિતિ છે.

પ્રદેશમાં બેડ છે, વેન્ટિલેટર. દર્દીઓ ઓક્સિજન વગર દમ તોડી રહ્યા છે. જરૂરી દવાઓની વ્યવસ્થા નથી. રેમડેસિવિર ઈન્જેક્શન માટે હાહાકાર છે. તપાસ નથી થઈ રહી. ટીવી ચેનલોમાં જે નિવેદનો આપવામાં આવે છે તેમાં બધું ઠીક છે, બધું નિયંત્રણમાં છે. બધું મજાક બનીને રહી ગયું છે.

નારાયણ ત્રિપાઠીએ લખ્યું હતું કે, પ્રદેશની દરેક વ્યક્તિ દહેશતમાં છે અને કોરોના મહામારીની લપેટમાં છે. ક્યારે, કોને શું થઈ જાય તે કોઈ નથી જાણતું. પ્રદેશને બચાવવાની જવાબદારી તમારી છે. વર્ચ્યુઅલ મીટિંગના તમાશાથી કશું નહીં થાય. ક્યાં તો સંક્રમિત દર્દીઓ માટે જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટેડ બેડ, વેન્ટિલેટરની વ્યવસ્થા સાથે ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટ જેવી પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવો અથવા તો પ્રદેશના અતિ ગરીબ, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના દરેક ઘરે ખાવા-પીવાની વ્યવસ્થા કરો.

(7:26 pm IST)