Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

માતાના મોત બાદ બાળક બે દિ' મૃતદેહ પાસે તડપતું રહ્યું

મહારાષ્ટ્રના પૂણેનો હૃદયસ્પર્શી મામલો : કોરોનાથી મોત થયું હોઈ કોઈ મહિલાની પાસે ન ગયું, અંતે બે મહિલા પોલીસ કોન્સ્ટેબલે બાળકનું રેસ્ક્યુ કર્યું

પુણે, તા. : મહારાષ્ટ્રના પુણેમાંથી એક હૃદયસ્પર્શી મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાનું કોરોનાથી મોત થઈ ગયું, પરંતુ બે દિવસ સુધી તેનો મૃતદેહ ઘરમાં પડી રહ્યો. મૃતદેહની પાસે એક વર્ષનું બાળક છેલ્લા બે દિવસતી ભૂખથી તડપતું હતું, પરંતુ કોરોનાના ડરથી મહિલા અને તેમના બાળકને કોઈ હાથ પણ ના લગાવ્યો. આખરે બે મહિલા પોલીસ કોન્સ્ટેબ્લ બાળકનું રેસ્ક્યુ કર્યું અને સાથે લઈ ગઈ

મામલો પિંપરી ચિંચવાડ વિસ્તારનો છે. મહિલાના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓને તેના મોત વિશે જાણ થઈ. દુર્ગંધ આવતી હતી તેમ છતાં કોઈ કોરોનાના ડરથી ઘરની નજીક ગયો ના ગયું. માતાના મૃત્યુ પછી એકલા રહી ગયેલા બાળક માટે પણ લોકોનું હૃદય પીગળ્યું નહીં.

બનાવ અંગે સુશીલા ગાભલે અને રેખા વાજે નામની બે કોન્સ્ટેબલને જાણ થઈ હતી. ઘરના તાળા તોડતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળક મૃત શરીરની બાજુમાં પડ્યો હતો અને ભૂખ્યો હતો. બંને કોન્સ્ટેબલોએ પહેલા બાળકને ઉપાડી લીધો અને તેને દૂધ સાથે બિસ્કિટ ખવડાવ્યું. ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દિધીમાં તૈનાત બંને કોન્સ્ટેબલોએ બાળકનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. દિઘી પોલીસના વરિષ્ઠ નિરીક્ષક મોહન શિંદેએ જણાવ્યું હતું કે બાળ કલ્યાણ સમિતિની સૂચના મુજબ અમે બાળકને સરકારી બાળ સંભાળ ગૃહમાં મોકલી આપ્યો છે.

શિંદેએ જણાવ્યું કે બાળકની માતાનું નામ સરસ્વતી રાજેશ કુમાર (૨૯)છે. તેના મોતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ રાસાયણિક વિશ્લેષણ માટે વિસેરા સુરક્ષિત કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમથી બહાર આવ્યું કે મહિલાનો મૃતદેહ મળી આવ્યાના લગભગ બે દિવસ પહેલા તેનું મોત નીપજ્યું હતું.

શિંદેએ કહ્યું કે સરસ્વતીનો પતિ રાજેશ કુમાર મજૂરી કામ કરે છે. આશરે મહિના પહેલા પરિવાર ઉત્તર પ્રદેશથી દિઘી આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. ગયા મહિને મહિલાનો પતિ કોઈ અંગત કામ માટે યુપી ગયો હતો. ત્યારથી તે અહીં પુત્ર સાથે એકલી રહેતી હતી.

પોલીસે જણાવ્યું કે, મહિલા ઘરમાં પ્રવેશ્યા બાદ મૃત હાલતમાં મળી આવી હતી. પરંતુ તેનો પુત્ર જીવતો હતો. લોકોની સંવેદનહીનતા એટલી હતી કે અમે પડોશીઓ પાસેથી મદદ માંગી પરંતુ તેઓએ ના પાડી. કોરોનાના ડરથી કોઈએ બાળકને હાથ પણ લગાવ્યો. ત્યારબાદ બંને મહિલા કોન્સ્ટેબલોએ બાળકને સંભાળીને તેને ખોરાક આપ્યો. બાળક હવે ઠીક છે અને મહિલાના પતિને જાણ કરવામાં આવી છે.

(7:24 pm IST)