Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સોશ્યલ મીડિયામાં વહેતી થયેલ લોકડાઉનની પોસ્ટની પીઆઇબીઍ પોલ ખોલીઃ કેન્દ્ર સરકારે લોકડાઉનની કોઇ જાહેરાત ન કરી હોવાનું ખુલ્યુ

નવી દિલ્હી: કોરોનાના પ્રકોપ વચ્ચે એવી પણ  ખબરો આવી રહી હતી કે દેશમાં લોકડાઉન લાગી શકે છે. સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ શેર થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર 18 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવા જઈ રહી છે. હકીકતમાં હાલમાં જ કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો જેમાં દેશના 150 જિલ્લામાં લોકડાઉનની વાતનો ઉલ્લેખ કરાયો હતો જેને આધાર બનાવીને લોકડાઉન સંબંધિત પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. PIB એ #PIBFactCheck માં આ દાવાની પોલ ખોલી છે.

Guidelines બહાર પાડી હોવાનો દાવો

વાયરલ મેસેજમાં કહેવાયું છે કે કોરોના મહામારીની ઝડપને ધીમી પાડવા માટે સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. જે હેઠળ 3 મેથી 20 મે વચ્ચે દેશભરમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવશે. આ મેસેજમાં પીએમ મોદીનો ફોટો પણ છે. નીકટના સૂત્રોના હવાલે એવો પણ દાવો કરાયો છે કે સરકાર તરફથી લોકડાઉન માટેની ગાઈડલાઈન્સ બહાર પાડી દેવાઈ છે.

States ની સહમતિનો હવાલો

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે તમામ રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન પર સહમતિ વ્યક્ત કરી છે. જો કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ આ વાયરલ સંદેશની હકીકત જણાવી છે. PIB એ પોતાના ફેક્ટ ચેકમાં જાણ્યું છે કે લોકડાઉન અંગે વાયરલ કરવામાં આવી રહેલો મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે. સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.

PIB એ કરી ટ્વીટ

PIB એ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દેશમાં 3 મેથી 20મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. #PIBFactCheck:  આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ જ લેતા નથી. શુક્રવારે તો બધા રેકોર્ડ તોડીને 4 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

(5:25 pm IST)