Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

નવા સંશોધનથી હડકંપ મચ્યો

કોવિડ-૧૯: બિમારીથી સાજા થઈ ગયા બાદ પણ ૬ મહિના સુધી મોતનો ખતરો

નવી દિલ્હી, તા.૧: કોરોનાના મોટા ભાગના દર્દીઓમાં હળવા લક્ષણો હોય છે જે હોમ આઈસોલેશનમાં સાજા થઈ રહ્યા છે. કેટલાક લોકોમાં લાંબા સમય સુધી કોરોનાના લક્ષણો રહી જાય છે અને કોરોનામાંથી સાજા થયા બાદ પણ તેમના મૃત્યુનું જોખમ રહેલું છે. બ્રિટિશ પત્રિકા 'નેચર'માં છપાયેલા એક અભ્યાસમાં આવો દાવો કરવામાં આવ્યો છે. તે સિવાય CDC દ્વારા કરવામાં આવી રહેલા અન્ય એક અભ્યાસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોવિડ-૧૯ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં કેટલાક મહિના બાદ પણ નવા લક્ષણો જણાઈ રહ્યા છે.

નેચરમાં છપાયેલા આ અભ્યાસ માટે સંશોધકોએ ડેટાબેઝમાંથી ૮૭,૦૦૦ કરતા વધારે દર્દીઓ અને આશરે ૫૦ લાખ સામાન્ય દર્દીઓની તપાસ કરી હતી. અભ્યાસ પ્રમાણે કોરોનાથી સંક્રમિત ન હોય તેમની તુલનાએ કોવિડ-૧૯ના દર્દીઓમાં સંક્રમણ બાદ ૬ મહિના સુધી મૃત્યુનું જોખમ ૫૯ ટકાથી પણ વધારે હતું.

અભ્યાસ પ્રમાણે ૬ મહિનામાં મરનારા પ્રત્યેક ૧,૦૦૦માંથી આશરે ૮ દર્દીના મોત લાંબા સમય સુધી રહેનારા કોરોનાના લક્ષણોના કારણે થયા હતા અને તેમના મૃત્યુને કોરોના સાથે જોડીને નહોતું જોવામાં આવ્યું છે. સંશોધકોના કહેવા પ્રમાણે ૬ મહિનામાં ૧,૦૦૦ દર્દીઓમાંથી ૨૯થી વધારે મોત એવા થયા જેમાં દર્દી ૩૦ દિવસ કરતા વધારે સમય હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.

(3:49 pm IST)