Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ખતરનાક છે બ્રાઝિલનો કોવિડ સ્ટ્રેઈનઃ એક મહિનામાં એક લાખ લોકોનાં મોત

બ્રાઝિલમાં કોરોનાએ મચાવ્યો છે કોહરામઃ અત્યાર સુધી ચાર લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા : એપ્રિલના પહેલા જ બે દિવસમાં ૪૦૦૦ લોકોનાં મોત. : નિષ્ણાંતોને હજી ખતરનાક લહેરની છે આશંકા. : સતત વધી રહેલા મૃત્યુઆંકથી લોકોમાં ભયનો માહોલ.

સાઓ પૌલો, તા.૧: બ્રાઝિલમાં માત્ર એક મહિનામાં કોરોના વાયરસને કારણે ૧,૦૦,૦૦૦ લોકોનાં મોત થઈ ચૂકયા છે. કોરોનાથી સંક્રમિત થયા પછી મૃત્યુની આ ઝડપને કારણે બ્રાઝિલમાં ભયનો માહોલ છવાયેલો છે. દક્ષિણ અમેરિકાના આ દેશમાં કોરોનાને કારણે મરનારા લોકોની કુલ સંખ્યા ૪ લાખ પાર કરી ચૂકી છે. જો કે, કોવિડને કારણે થનારા મૃત્યુના સંદર્ભમાં બ્રાઝિલ હજી પણ દુનિયામાં બીજા ક્રમાંકે છે.આ વૈશ્વિક મહામારીને કારણે એપ્રિલ મહિનામાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, એપ્રિલના પહેલા જ બે દિવસમાં ૪૦૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા. ત્યારપછી દરરોજ લગભગ ૨૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યા અને સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારના રોજ ૩૦૦૧ વધુ લોકોનાં મૃત્યુની જાણકારી આપી. કુલ મળીને દેશમાં મૃતકોની સંખ્યા ૪,૦૧,૧૮૬ થઈ ગઈ છે.

બ્રાઝિલના સ્થાનિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ સંક્રમણ બાબતે અને મૃત્યુની સંખ્યાના ઘટાડા બાબતે થોડો રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેમને કોરોનાની અન્ય એક લહેર આવવાની આશંકા છે જે અમુક યૂરોપિયન દેશોમાં જોવા મળી છે. ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ અવર વર્લ્ડ ઈન ડેટા અનુસાર બ્રાઝિલમાં હજી સુધી છ ટકાથી ઓછા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.દેશના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારોએ જણાવ્યું કે તે સૌથી અંતમાં રસી મૂકાવશે અને તેમણે મહામારીને રોકવા માટેના પ્રતિબંધો બાબતે દેશભરના મેયર અને ગવર્નર પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કોરોનાની બીજી લહેર દ્યણી જોખમી સાબિત થઈ રહી છે. દેશની હોસ્પિટલોમાં બેડ, ઓકિસજન, વેન્ટિલેટરની તંગી જોવા મળી રહી છે. ત્યારે બ્રાઝિલનો આ નવો સ્ટ્રેઈન ભારત કરતા પણ વધારે જોખમી છે. ત્યાંના નિષ્ણાંતોનું કહેવું છે કે જૂન મહિના સુધી ત્રીજી લહેર આવવાની આશંકા પણ છે.

(2:48 pm IST)