Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાને ધૂણતો રોકવા લોકડાઉન સહિત ૩ તબક્કાની ફોર્મ્યુલા અપનાવો

કોરોના પર રીસર્ચ કરી રહેલા ડો. એન્થની ફાઉચીએ ભારતને કેટલાક સૂચનો આપ્યાઃ ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાના ઉપાયો અપનાવવા જરૂરી : કેટલાક સપ્તાહોનું લોકડાઉન જરૂરીઃ સરકારે આર્મીની મદદ લેવી જોઈએઃ રસીકરણમાં સ્પીડ લાવી સ્વાસ્થ્ય ખામીઓ દૂર કરવી જરૂરી

વોશિંગ્ટન, તા. ૧ :. ભારતમાં કોરોના વાયરસથી સ્થિતિ ભયાનક બની રહી છે. દેશમાં છેલ્લા એક સપ્તાહથી રોજ ૩ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વિશ્વસ્તર પર કોરોના વાયરસ પર કામ કરી રહેલા ડો. એન્થની ફાઉચીએ ભારતની સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી છે. કોરોના પર રીસર્ચ કરી રહેલા ડો. ફાઉચીએ ભારતને વાયરસથી નિપટવા માટે કેટલાક સૂચનો આપ્યા છે.

તેમણે ભારતને સલાહ આપી છે કે દેશમાં કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે કેટલાક સપ્તાહોનું લોકડાઉન લગાવવુ જરૂરી છે. આ સિવાય તેમણે દેશમાં વેકસીનેશનની સ્થિતિ પર પણ વાત કરી હતી. તેઓ અમેરિકામા રાષ્ટ્રપતિ બાયડન વહીવટી તંત્રના ચીફ મેડીકલ સલાહકાર છે.

ડો. ફાઉચીએ ભારતમાં કોરોનાને કંટ્રોલમાં લેવા માટે ૩ તબક્કાના ઉપાયો બતાવ્યા છે. જેમા તત્કાલ, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયો અંગે જણાવ્યુ છે.

પ્રથમ ઉપાય

ડો. ફાઉચીએ કહ્યુ છે કે હાલ લોકોને વેકસીન લગાવવી ખૂબ જરૂરી છે. આ સિવાય ઓકસીજન અને બીજી મેડીકલ સુવિધાઓની અછતને પણ દૂર કરવી જરૂરી છે. આ સિવાય એક પંચ કે ઈમરજન્સી ગ્રુપ તૈયાર કરવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ઓકસીજન કેવી રીતે મળશે ? સપ્લાય કેવી રીતે થશે ? અને દવા કેવી રીતે મળશે આ માટે પ્લાન બનાવવા જોઈએ. તેમણે ડબલ્યુએચઓ અને અન્ય દેશો સાથે વાત કરવા પણ કહ્યુ છે.

બીજો ઉપાય

મધ્યમ ઉપાયના સ્વરૂપમાં ડો. ફાઉચીએ કહ્યુ છે કે યુધ્ધસ્તર પર હોસ્પીટલો બનાવવી જોઈએ. આ માટે ચીનનું ઉદાહરણ આપ્યુ છે. તેમણે ફીલ્ડ હોસ્પીટલના મોડેલની વાત પણ જણાવી હતી. અમેરિકાનો અનુભવ આપતા તેમણે ભારતીય આર્મીની મદદ લેવા પણ કહ્યુ છે.

ત્રીજો ઉપાય

લાંબાગાળાના ઉપાય તરીકે ડો. ફાઉચીએ કહ્યુ છે કે વધુને વધુ લોકોને રસી અપાવવી જોઈએ. ભારતે તત્કાલ, મધ્યમ અને લાંબાગાળાના ઉપાયો અપનાવવા જોઈએ. પહેલા તત્કાલ ઉપાયો કરવા જોઈએ અને પછી મધ્યમ અને છેલ્લે લાંબાગાળાના ઉપાયો કરવા જોઈએ.

ડો. ફાઉચીએ દેશમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જરૂરી છે તેવુ જણાવતા ઉમેર્યુ હતુ કે ૬ મહિનાના લોકડાઉનની જરૂરીયાત નથી. તમે વાયરસનું ટ્રાન્સમિશન રોકવા માટે કામચલાઉ લોકડાઉન લાદી શકો છો.

(11:04 am IST)