Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વીમા કંપનીઓએ ૧ કલાકમાં કેશલેસ કલેમ મંજૂર કરવો પડશે : IRDAI

આ પ્રકારના આદેશથી વીમા કંપનીઓ કામ જલ્દી પૂર્ણ કરી લેશે, અને દર્દીઓને રાહત મળશે

નવી દિલ્હી,તા.૧: ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ વીમાકર્તાઓને એક કલાકની અંદર કોવિડ-૧૯ સંબંધિત હેલ્થ ઇન્શ્યોરન્સ કલેમ જમા કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી દર્દીઓને તાત્કાલિક રજા મળી શકે. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ ઈરડાએ વીમાકર્તાઓને આદેશ આપ્યો છે. ૨૮ એપ્રિલે કોર્ટે ઈરડાને વીમા કંપનીઓને તાત્કાલિક નિર્દેશ આપવાનો આદેશ આપ્યો હતો.

૨૮ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે વીમા કંપનીઓને કોવિડ-૧૯ દર્દીઓના બિલ ૩૦ થી ૬૦ મિનિટમાં પાસ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે વીમા કપનીઓ બિલને મંજૂરી આપવા માટે ૬-૭ કલાક ન લઈ શકે, કારણ કે તેના કારણે દર્દીઓને ડિસ્ચાર્જ મળવામાં વાર લાગે છે. આ પરિસ્થિતિના કારણે જરૂરિયાતમંદોને બેડ મેળવવા માટે રાહ જોવી પડે છે.

IRDAI એ દરેક વીમાકંપનીઓને કહ્યું કે આ સાથે સંબંધિત દરેક પક્ષકારોને જાણકારી આપવામાં આવે. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીએ જરૂરી ડોકયુમેન્ટ જમા કરાવ્યા બાદ એક કલાકમાં કેશલેસ કલેમ મંજૂર થઈ જવો જોઈએ.

IRDAIએ જણાવ્યું કે દર્દીઓને ડિસ્ચાર્જ મળવામાં વાર લાગવાને કારણે, જરૂરિયાતમંદ દર્દીઓને દાખલ કરવામાં સમય લાગી રહ્યો છે. વીમા કંપનીઓ અને ટીપીએ બિલની ચૂકવણીમાં વાર લાગી રહી છે. આ પ્રકારે વાર લાગવાને કારણે દર્દીઓએ ૮ થી ૧૦ કલાક સુધી બેડની રાહ જોવી પડે છે. આ પ્રકારના આદેશથી વીમા કંપનીઓ કામ જલ્દી પૂર્ણ કરી લેશે, અને દર્દીઓને રાહત મળશે.

આ પહેલા ઈરડાઈએ બે કલાકમાં કેશલેસ કલેમ મંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. IRDAIએ પોલિસીધારકોને વીમા કંપનીઓને આ પ્રકારની વિસંગતતા વિશે તાત્કાલિક સૂચિત કરવાનો આદેશ આપ્યો છે. વીમાકર્તા સંબંધિત રાજય સરકાર સાથે હોસ્પિટલ વિશે ફરિયાદ નોંધાવી શકે છે.

(10:45 am IST)