Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઐસા ભી હોતા હૈ

બંદૂકના ધંધાને એસેન્શિયલ સર્વિસ જાહેર કરીને ચાલુ રાખવાની છૂટ માગી

ન્યૂયોર્ક તા. ૩૦ ઉ કોરોના વાઇરસના રોગચાળાને કારણે શટડાઉન દરમ્યાન ફકત આવશ્યક સેવાઓને ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. એ આવશ્યક સેવાઓની યાદી નિર્ધારિત છે. એ યાદીમાં સામેલ કરીને ધંધો કરવાની છૂટ આપવાની માગણી સાથે અમેરિકાના નેશનલ રાઇફલ અસોસિએશન અને બંદૂકોના દુકાનદારોએ કેલિફોર્નિયાની પ્રાંતીય સરકાર સામે અદાલતમાં અરજી કરી છે.

અરજીના પ્રતિવાદીઓમાં કેલિફોર્નિયાના ન્યુસમ ક્ષેત્રના પ્રશાસન, લોસ એન્જલસના કાઉન્ટી શેરિફ એલેકસ વિલાનુવા, સ્ટેટ પબ્લિક હેલ્થ ઓફિસર સોનિયા એન્જેલ અને બાર્બરા ફેરર, તેમ જ લોસ એન્જલસ કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થનો સમાવેશ છે. લોકડાઉન સંબંધી જોગવાઈઓમાં ન્યુસમ પ્રશાસને બંદૂકોની દુકાનોને આવશ્યક સેવાઓમાં ગણવી કે નહીં એનો નિર્ણય દરેક કાઉન્ટીના સ્થાનિક પ્રશાસનની મુનસફી પર છોડ્યો હતો, પરંતુ લોસ એન્જલસના કાઉન્ટી શેરિફ એલેકસ વિલાનુવાએ બંદૂકો-શસ્ત્રોની દુકાનોનો સમાવેશ આવશ્યક સેવાઓમાં ન થતો હોવાથી એ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. એ જાહેરાતને પડકારવા નેશનલ રાઇફલ અસોસિએશન અને બંદૂકો-હથિયારોના દુકાનદારોએ અદાલતમાં અરજી કરી હતી. અરજદારોમાં ગન વર્લ્ડ, સેકન્ડ અમેન્ડમેન્ટ ફાઉન્ડેશન, કેલિફોર્નિયા ગન રાઇટ્સ અસોસિએશન, ફાયર આર્મ્સ પોલિસી કોએલિશન તથા અન્ય બે વ્યકિતઓનો સમાવેશ છે. અરજદારોએ જણાવ્યું હતું કે અનિશ્યિતતાના આ સમયમાં સ્વસુરક્ષા માટે શસ્ત્રોની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

(12:56 pm IST)