Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

થોડા સમય માટે મૃત જાહેર થયેલા કેદીની આજીવન કેદની સજા પૂરી થઇ ગણાય ?

ન્યુયોર્ક તા. ૧૪: અમેરિકાના આયોવા સ્ટેટમાં રહેતા ૬૬ વર્ષના બેન્જામિન શ્રેઇબર સાજા અને જીવતા છે. પરંતુ ર૦૧પમાં થોડા વખત માટે દેહ નિર્જીવ સમાન થવાની તબીબી સ્થિતિનો ગેરલાભ લઇને બેન્જામિન તેની આજીવન કેદની સજા પૂરી થઇ હોવાનો દાવો કરે છે. ર૦૧પમાં બેન્જામિન જેલમાં અચાનક ઢળી પડયો હતો. તેનો શ્વાસ થંભી ગયો એ સ્થિતિનો અર્થ એવો થાય કે શ્વાસ બંધ રહ્યો એટલો વખત-ટૂંકા ગાળા માટે બેન્જામિન મૃત્યુ પામ્યો હતો. ત્રણ વર્ષ બાદ એ દોષી હત્યારાએ સજા ભોગવી લીધા પછીની રાહત અદાલત પાસે માગી હતી. બેન્જામિને પોતાને ખોટી રીતે જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે એવો દાવો કર્યો કે 'મેં ટેકિનકલી સજા ભોગવી લીધી હોવાથી મને મુકત કરો. હું મૃત્યુ પામ્યો એ વખતે મારી સજાનો અંત આવ્યો હતો.'

બેન્જામિન શ્રેઇબરે પહેલાં ડિસ્ટ્રિકટ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં ન્યાયાધીશે અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે 'દિમાગના દાવપેચ વડે કાયદામાં ખામી કાઢીને પરિસ્થિતિનો ગેરલાભ લેવાનો આ પ્રયત્ન છે, પરંતુ આ પ્રકારના દાવા કે દલીલ અસરકારક નથી અને એમાં વજુદ પણ નથી. અરજદાર અપીલ ફાઇલ કરી શકે છે એ   દર્શાવે છે    કે એ હાલમાં જીવતો છે.'

ત્યાર પછી બેન્જામિન આયોવા કોર્ટ ઓફ અપીલ્સમાં પહોંચ્યો. ત્યાં પણ તેને નિષ્ફળતા મળી. અપીલ્સ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે આજીવન કેદનો અર્થ આખું જીવન જેલમાં પસાર કરવું. આખું જીવન. જીવતા હોવા છતાં મૃત અવસ્થાના દાવાનો લાભ લઇ ન શકાય.'

(11:35 am IST)