Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જન્માષ્ટમી તહેવારના પ્રસંગે ધર્મસંમેલન અને શોભાયાત્રા

સતત ૩૯ મા વર્ષે શાનદાર આયોજન કરાયુ : શહેરના આશ્રમરોડ ભારત સેવાશ્રમ સંઘથી શોભાયાત્રા નીકળશે : કેટલાક સંતો, મંહતો અને મહાનુભાવો જોડાશે

અમદાવાદ, તા.૨૨ : ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત ૩૯માં વર્ષે જન્માષ્ટમી નિમિતે તા.૨૪મી ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં પરંપરાગત ધર્મસંમેલન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો નગરજનોની સાથે સાથે અનેક સાધુ-સંતો, મહંતો અને મહાનુભાવો જોડાશે. તા.૨૪મી ઓગસ્ટે સવારે ૯-૩૦ વાગ્યે યોજાનારા ધર્મ સંમલેનમાં ભારત સેવાશ્રમ સંઘ, સુરતના અધ્યક્ષ પ.પૂ.સ્વામી અંબરીષાનંદજી મહારાજ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે તો, મુખ્ય મહેમાન તરીકે ખેડાના ભાજપના સાસંદ દેવુસિંહ ચૌહાણ અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહેશે. તો અતિથિ વિશેષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ રાજુભાઇ ઠાકર, પ્રાંત કાર્યાધ્યક્ષ હર્ષદભાઇ ગીલેટવાલા અને ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી અશ્વિનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

     તા.૨૪મી ઓગસ્ટે જન્માષ્ટમીના પવિત્ર દિને ભારત સેવાશ્રમ સંઘના સ્વામીશ્રી આત્મભોલાનંદજી મહારાજ ભગવી ધજા ફરકાવીને ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. ધર્મસંમેલન અને શોભાયાત્રા મારફતે હિન્દુત્વ અને ભગવાન શ્રીકૃષ્ણના કર્મબોધનો સંદેશો ફેલાવી લોકોને જાગૃત કરાશે. આ અંગે સ્વામીશ્રી આત્મભોલાનંદજી મહારાજ અને વિહિપના અશ્વિનભાઇ પટેલ અને શશીકાંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જન્માષ્ટમી નિમિતની ભવ્ય શોભાયાત્રા અને ધર્મસંમેલન પ્રસંગે ઝુંડાલ ગુરૂકુળના પ.પૂ.પુરૂષોત્તમચરણ શાસ્ત્રીજી, સરયુમંદિર પ્રેમદરવાજાના પ.પૂ.મહામંડલેશ્વર શ્રી શિવરામદાસજી મહારાજ, સાંઇધામ મંદિર, થલતેજના પ.પૂ. મોહનદાસજી મહારાજ, સરસપુર રામજી મંદિરના પ.પૂ.અખિલેશ્વરદાસજી મહારાજ અને ગૌભકત પ.પૂ ચૈતન્ય શંભુ મહારાજ આશીર્વચન પાઠવશે. તા.૨૪મીએ જન્માષ્ટમી નિમિતે નીકળનારી શોભાયાત્રામાં ગીતાનો કર્મબોધ આપતાં પૂર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની સુદર્શન ચક્રધારી દર્શનીય મનોહર મૂર્તિ, યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજના તૈલચિત્રો, વંદનીય દેવી-દેવતાઓની કલાત્મક તસ્વીરો, ચિત્રાંકનોથી સુશોભિત ટ્રકો સહિતના અનેક આકર્ષણો રહેશે.

      બેન્ડના ડંકા સાથે આ શોભાયાત્રા સવારે ૧૧-૦૦વાગ્યે ભારત સેવાશ્રમ સંઘ, આશ્રમરોડથી નીકળી ઉસ્માનપુરા, વાડજ, રામદેવપીર ટેકરા, અખબારનગર, ઉસ્માનપુરા ગામ થઇ ભારત સેવાશ્રમ સંઘ ખાતે નિજમંદિરે પરત ફરશે. સ્વામીશ્રી આત્મભોલાનંદજી મહારાજે ઉમેર્યું કે, જન્માષ્ટમીની ઉજવણી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા, આરતી, હિન્દુ ધર્મ શિક્ષા સંસ્કૃતિ સંમેલન, વૈદિક વિશ્વશાંતિ યજ્ઞ, ગીતા પાઠ જેવા આધ્યાત્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહી, જાહેરજનતા માટે જન્માષ્ટમીના દિવસે તા.૨૪મીએ શનિવારે સવારના આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા દરમ્યાન ભારત સેવાશ્રમ સંઘ ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓની ભૂખ્યા પેટે અને જમ્યા પછી બંને તપાસ કરી તેઓને સ્થળ પર જ રિપોર્ટ વિનામૂલ્યે આપી દેવાશે.

૧૦૩ વર્ષોથી સેવાની જયોત પ્રજ્જવલિત....

અમદાવાદ, તા. ૨૨ : સને ૧૯૧૭માં પ્રસ્થાપિત ભારત સેવાશ્રમ સંઘ આજે દેશના ૨૩ રાજયોના ૭૭ નગરો અને વિદેશના ૧૧ દેશોમાં જનસેવા રાહત પ્રવૃત્તિ, આદર્શ શિક્ષા પ્રચાર, અસ્પૃશ્યતા નિવારણ, આદિવાસી કલ્યાણ, ધર્મપ્રચાર, તીર્થ સંસ્કાર, પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર સાથે સાથે લોકસેવાકીય પ્રવૃત્તિઓની માનવતાની સેવાની જયોતને છેલ્લા ૧૦૩ વર્ષથી પ્રજ્જવલિત રાખી છે એમ સ્વામી શ્રી આત્મભોલાનંદજી મહારાજે ધ્યાન દોર્યું હતું.

(9:24 pm IST)