Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોરોના સંદર્ભે અંબાજી મંદિર અને ગબ્બર દર્શન તા.૨૪ ઓગષ્ટ્થી તા. ૪ સપ્ટેમ્બર કુલ-૧૨ દિવસ સુધી બંધ રહેશે :કલેકટર સંદીપ સાગલે

કોરોનાની વૈશ્વિક મહામારી સામે રક્ષણ અને વિશ્વકલ્યાણ માટે મંદિર સંકુલની યજ્ઞશાળામાં શાસ્ત્રોકત વિધિ સાથે યજ્ઞ કરાશે :પાલનપુર મુકામે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

પાલનપુર : ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અંબાજી મંદિર અને ગબ્બર દર્શન તા.૨૪ ઓગષ્ટમથી તા.૪ સપ્ટેનમ્બર-૨૦૨૦ કુલ-૧૨ દિવસ સુધી બંધ રહેશે. તેની જાણકારી આપવા પાલનપુર કલેકટર કચેરી  ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

  આ પ્રસંગે કલેકટરએ મિડીયાને માહિતી આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા તા.ર૭/૦૭/૨૦૨૦ની અનલોક ૩ ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ ધાર્મિક મેળાવડા, સામાજીક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે, રાજય સરકારશ્રીના તા.૮/૮/૨૦૨૦ હુકમ મુજબ આગામી ભાદરવી પૂનમના મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની તથા તેના કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવાકેમ્પો, શોભા યાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજય સરકારે હુકમ કર્યો છે.

  કલેકટરએ કહ્યું કે, આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ના સમયગાળામાં યોજાનાર હતો. આ ભાદરવી પૂનમના મહામેળામાં આશરે ૨પ.૦૦ લાખ થી વધુ યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. ગત વર્ષોના અનુભવો મુજબ ભાદરવી પૂનમના મેળા પહેલા ત્રણ થી ચાર દિવસોમાં અને મેળા બાદ પણ બે થી ત્રણ દિવસ યાત્રાળુઓની ખૂબ જ ભીડ હોય છે. અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક ૩ થી ૪ લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ રહેલી છે. મંદિર ખુલ્લુ રાખતા યાત્રાળુઓનો ધસારો વધી જાય તો કાયદો વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બને. આ તમામ વિગતો ધ્યાને લઈ તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૦૪/૦૯/૨૦૨૦ કુલ-૧૨ દિવસ સુધી શ્રી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
  કલેકટરએ જણાવ્યું કે, યાત્રાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરેબેઠાં ઓનલાઈન માતાજીના દર્શન- ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  તેમણે કહ્યું કે, માઈભકતોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે અંબાજી મંદિર દ્વારા પૂજા કરેલી ધજાઓ દર વર્ષે પગપાળા આવતા ૧૪૦૦ જેટલાં રજીસ્ટર્ડ સંઘોને ભાદરવી પૂનમીયા સેવા સંઘ ટ્રસ્ટ મારફત ધજાઓ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે

. આ ધજા દરેક સંઘ પોતાના રથ અથવા ગામના મંદિર ઉપર ધાર્મિક વિધિ સાથે અર્પણ કરે તેવી અપીલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, ભાદરવી પૂનમ મેળાના સાત દિવસના સમયગાળા દરમ્યાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ થાય તે માટે વિશ્વકલ્યાણ અર્થે મંદિર સંકુલમાં આવેલ યજ્ઞશાળામાં શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞ કરાવવામાં આવશે તથા માઈભકતો માટે ઓનલાઈન લાઈવ યજ્ઞ દર્શનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
    આ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે.ચાવડા, નાયબ માહિતી નિયામક ડી.પી.રાજપૂત સહિત સારી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:39 pm IST)