Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગંદકી મુક્ત ભારત અભિયાન: રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

રાજ્યભરમાં શ્રમદાન, રાત્રિસભા,વોલ પેઇન્ટીંગ,વૃક્ષારોપણ,ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાશે

અમદાવાદ: પેય, જળ અને સ્વચ્છતા વિભાગ, જળશક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત “ગંદકી મુક્ત ભારત" અભિયાનની ઉજવણીનું આયોજન તા.૦૮/૦૮/૨૦૨૦ થી તા.૧૫/ ૦૮/ ૨૦૨૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.        આ સપ્તાહના દરમ્યાન દરેક દિવસે એક વિશેષ સ્વચ્છતાની પહેલ કરવામાં આવી છે. રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા કાયમી ધોરણે થાય અને ગામના તમામ ફળિયા ગામના પેટા પરા જેવા તમામ વિસ્તારો સ્વચ્છ અને સુંદર બને તે જ ધ્યેય સાથે સ્વચ્છતા ઝુંબેશને કોવીડ-૧૯ હેઠળ જરૂરી સાવચેતી તથા સામાજિક અંતર જાળવીને નિરંતર આગળ વધારવાની દિશામાં જિલ્લાઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે . એમ સ્વચ્છભારત મિશનના સ્પેશિયલ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

  યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા“ગંદકી મુક્ત ભારત"અભિયાનના શુભારંભ પ્રસંગે રાજઘાટ,નવી દિલ્હી ખાતે તા.૦૮/ ૦૮/ ૨૦૨૦ના રોજ “રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર" ખુલ્લું મૂકવામાં આવ્યું હતું . ડિજિટલ અને આઉટડોર પ્રદર્શનોના સંતુલિત મિશ્રણ સાથે “રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર”ના શુભારંભ પ્રસંગે“ગંદકી ભારત છોડો” ના નારા સાથે પ્રધાનમંત્રી દ્વારા સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગાંધીજીની પ્રેરણાથી દેશના ખૂણે-ખૂણે લાખો સ્વચ્છાગ્રહીઓએ સ્વચ્છ ભારત અભિયાનને તેમના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે.

  આ સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા સરપંચો સાથે ઈ-રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામને સ્વચ્છ બનાવવા માટે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપનની કામગીરી સુચારું રૂપે હાથ ધરાય તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

 આ અભિયાન અંતર્ગત આવતીકાલે તા.૧૧ ઓગસ્ટના રોજ ગ્રામ્યકક્ષાએ જાહેર સ્થળો અને દીવાલો પર વોલ પેઈન્ટીંગ કરાવવામાં આવશે.તા.૧૨ ઓગસ્ટના રોજ ગ્રામ્યકક્ષાએ મનરેગા યોજનાના કન્વર્જન્સ,સખી મંડળો સહિત સેવાભાવી સંસ્થા ,વ્યક્તિઓ ,જનભાગીદારીના શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.તા.૧૩ઓગસ્ટના રોજ ગંદકીમુક્ત મારૂ ગામની થીમ પર ઓનલાઈન ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે   .તા.૧૪ઓગસ્ટના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોખ્ખાઈ અને સ્વચ્છતા અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમજ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે સામાન્ય સભામાં જિલ્લાના મોડેલ ગામને ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવશે . “ગંદકી મુક્ત ભારત” અભિયાનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા પરના સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવા રાજ્યના તમામ ગામોમાં જનભાગીદારીથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રહ્યા છે .

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં તા.૯ઓગસ્ટના રોજ ગામના સરપંચ દ્વારા શ્રમદાનની પ્રવૃતિથી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કચરાને એકત્રિત કરી એક વાર વપરાશમાં લેવાય તેવા પ્લાસ્ટિકને અલગ પાડી નિકાલ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તા.૧૦ઓગસ્ટના રોજ ગામમાં વિશાળ જનભાગીદારીના શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનોની સાફસફાઇ કરવામાં આવશે અને આઇવીઆર આધારીત ટેકનોલોજીના આધારે ઓડીએફ પ્લસના જ્ઞાન અને જાણકારી મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦૦ ૪૦૪ ઉપર ફોન કરવા સ્વચ્છતાગ્રહીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

(6:51 pm IST)