Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં ટ્રાવેલ એજન્ટ સાથે ટિકિટ બુક કરાવવાના બહાને ભેજાબાજે છેતરપિંડી આચરતા તપાસ હાથ ધરાઈ

સુરત:શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં વોક ઇન નેટ નામે ટ્રાવેલ એજન્ટને ત્યાં દિલ્હીથી અમદાવાદ, મુંબઇથી જયપુર અને જયપુરથી સુરતની એર ટિકિટ બુક કરાવવના બ્હાને વિશ્વાસમાં લઇ ટિકિટના તથા મની ટ્રાન્સફરના નામે કુલ રૂા. 54,180ની મત્તા પડાવી લેનાર ભેજબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

પાર્લેપોઇન્ટ સ્થિત સરગમ શોપીંગ સેન્ટરમાં વોક ઇન નેટ નામે ટ્રાવેલ એજન્સી અને મની ટ્રાન્સફર નામે ધંધો કરતા સમીર દિનેશ મોદી (ઉ.વ. 42 રહે. 101, કનકનિધી એપાર્ટમેન્ટ, ગાંધી સ્મૃતિ ભવનની સામે, નાનપુરા) પર ગત રોજ મોબાઇલ નં. 7045935889 પરથી રાહુલ સંજયકુમાર મલહોત્રા નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો. રાહુલે અરજન્ટમાં દિલ્હીથી અમદાવાદ અને મુંબઇથી જયપુરની અને તા. 26 ની જયપુરથી સુરતની એર ટિકિટ બુક કરાવવાની વાત કરી વ્હોટ્સ અપર આધારકાર્ડ મોકલાવ્યો હતો. એર ટિકિટના રૂા. 25 હજારના પેમેન્ટની માંગણી કરતા રાહુલે પોતાની ક્રેડિટ લિમીટ પુરી થઇ ગઇ છે એમ કહી પોતાના ખાતામાં રૂા. 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા અને પેમેન્ટ આંગડિયા મારફતે મોકલાવશે એમ કહ્યું હતું. ત્યાર બાદ 10 મિનીટમાં જ મોબાઇલ નં. 7738439265 પરથી કોલ આવ્યો હતો અને અડાજણ હનીપાર્ક રોડ ધરતી કોમ્પ્લેક્ષમાં જે.બી. એન્ટરપ્રાઇઝમાંથી બોલું છું અને તમારૂ પેમેન્ટ આવ્યું છે તે બપોરે ત્રણ વાગ્યા પછી લઇ જાવ એમ કહ્યું હતું. આ દરમ્યાનમાં રાહુલ નામના ભેજાબાજે બે અલગ-અલગ મોબાઇલ નંબર પરથી વાયા. કોમના રજીસ્ટર એકાઉન્ટ નંબર પરથી રૂા. 25 હજારના બે ટ્રાન્જેકશન થકી રૂા. 50 હજાર મેળવી લીધા હતા. ત્યાર બાદ સમીર પેમેન્ટ લેવા માટે અડાજણ ગયો હતો પરંતુ ત્યાં ધરતી કોમ્પ્લેક્ષમાં જે.બી. એન્ટરપ્રાઇઝ નામની કોઇ ઓફિસ નહીં હોવાથી તુરંત જ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને મુંબઇથી જયપુર અને જયપુરથી સુરતની બુક કરાવેલી ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી.

(5:38 pm IST)