Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુરતના ડાયમંડની ચમક કોરોના ઇફેક્‍ટના કારણે ઝાંખી થઇ ગઇઃ રત્‍નકલાકારો વતન ચાલ્‍યા જતા માંડ 35 ટકા ડાયમંડ યુનિટ ખુલ્‍યા

સુરત: સુરતના ડાયમંડની ચમક કોરોનાને કારણે ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ રત્ન કલાકારો પોતાના વતન ચાલ્યા જતા માંડ 35 ટકા ડાયમંડ યુનિટ ખૂલ્યા છે. તો બીજી તરફ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે ક્વાર્ટરની વાત કરીએ તો, ગત વર્ષ કરતાં આ વર્ષે 40 હજાર કરોડથી પણ વધુ બિઝનેસ લૉસ ભોગવી ચૂક્યાં છે. કોરોના મહામારી વૈશ્વિક મંદી અને અમેરિકા ચીન વચ્ચેની સ્થિતિના કારણે આ વખતે છેલ્લા છ મહિનામાં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો બિઝનેસ લોસ જોવા મળી રહ્યો છે.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો, 10 માંથી 9 હીરા સુરતમાં કટીંગ થતા હોય છે. જો કે છેલ્લા 3 વર્ષથી આ ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું. સુરતમાં મોટાપાયે આ ઉદ્યોગના કારણે લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારી અને વૈશ્વિક મંદી તેમજ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ જેવી પરિસ્થિતિ, તેમજ ડોલરના ભાવો જેવા અનેક પરિબળો હીરાઉદ્યોગ માટે ગ્રહણ સમાન બની ગયા છે. 2019ની સરખામણીમાં પ્રથમ ક્વાર્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં હીરા ઉદ્યોગને 14670 કરોડનું અને બીજા ક્વાર્ટર એપ્રિલ, મે અને જૂનમાં 25522 કરોડનું બિઝનેસ નુકશાન થયું છે. એટલે પ્રથમ ક્વાર્ટરમાં 35 ટકા અને બીજા ક્વાર્ટરમાં 62 ટકા બિઝનેસ નુકશાન થતા કુલ 40192 કરોડનું બિઝનેસ નુકસાન હીરા ઉદ્યોગને થયું છે. હીરા ઉદ્યોગની સાથે સાથે જવેલરી ઉદ્યોગને પણ નકારાત્મક અસર સ્પષ્ટ જોવા મળી છે. સુરતમાં મોટા પાયે ડાયમંડ જ્વેલરીની સાથે સિલ્વર અને ગોલ્ડન જ્વેલરી પણ તૈયાર કરવામાં આવે છે અને અહીંથી એક્સપોર્ટ થાય છે. પરંતુ બે ક્વાર્ટરમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ખાસ્સો બિઝનેસ લોસ થયો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં 85 ટકા જેટલો બિઝનેસ લોસ થયો છે. છેલ્લા બે મહિનાથી જે રીતે હીરા ઉદ્યોગ અને જરૂરી ઉદ્યોગની સ્થિતિ દયનીય બની છે, તેની સીધી અસર રત્નકલાકારો ઉપર થઈ રહી છે. કોરોના કાળના કારણે હાલ સીમિત રત્નકલાકારો સાથે હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે હાલ માત્ર ૩૫ ટકા જેટલા હીરા ઓ ઉદ્યોગમાં રત્ન કલાકારો કાર્યરત થયા છે. રોજગાર ન હોવાના કારણે અનેક રત્નકલાકારો પોતાના વતન ચાલ્યા ગયા છે.  પરંતુ હવે નવી પાલિકાની એસઓપીના કારણે એક ઘંટી ઉપર બે રત્નકલાકારો બેસી શકશે. જેથી રોજગારી વધુ રત્ન કલાકારોને મળી રહે એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. ત્યારે બીજી બાજુ વૈશ્વિક બજારમાં 25 હજારથી ઓછી કિંમતના ડાયમંડની માંગ વધતા આજે રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ગયા છે, તેઓ આવા પાટલા ડાયમંડ બનાવી ત્યાંથી જ વેપાર કરી શકશે. સાથે જ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે, તેઓ તેના કારણે હીરા ઉદ્યોગમાં પણ રોજગારી મેળવી શકશે અને પોતાના ખેતીવાડીને પણ ધ્યાન આપી શકેશે.

(4:49 pm IST)