Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મેઘમહેરઃ ગુજરાતમાં સરેરાશ પ૪ ટકા ડેમો ભરાયા

રાજયના ૩પ ડેમો ૧૦૦ ટકા ભરાયા, જયારે ૬૮ ડેમો માટે હાઇએલર્ટ અપાયું: સૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમોમાં ૬૯ ટકાઃ દ.ગુજરાતમાં ૬૩.૧૦, કચ્છમાં ૪૧, મધ્ય ગુજરાતમાં ૩૬ અને ઉ.ગુજરાતના ડેમોમાં સૌથી ઓછુ ર૬ ટકા જળ સંગ્રહ

અમદાવાદ : મોન્સુન દરમિયાન જોરદાર વરસાદના લીધે રાજયના ૩પ ડેમો ૧૦૦ ટકા ભરાઇ ગયા છે. જયારે ૬૮ હાઇએલર્ટ ઉપર છે. જેમાં કુલ ક્ષમતાથી ૯૦ ટકા પાણી ભરાઇ ગયુ છે. જયારે ગુજરાતના તમામ ડેમોમાં ગઇકાલ સુધીમાં પ૪ ટકા જળસંગ્રહ થઇ ચુકયુ છે.

ગુજરાતમાં વધુ ક્ષમતાવાળા ડેમો મોટે ભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં છે.જેમાં કુલ ર૦પમાંથી ૩પ ડેમો છલકાય ગયા છે અને ૧૦ ડેમો એવા છે જે છલકાવાથી વેંત એક જ છેટા છે. ૬૭ ડેમોમાં છલકાવાનું હાઇએલર્ટ અપાયું છે. જેમાં ૯૦ થી ૧૦૦ ટકા પાણીભરાઇ ગયુ છે.

ઉપરાંત રાજયના ૧ર ડેમોમાં રવિવાર સુધીમાં ૮૦ થી ૯૦ ટકા જળ સંગ્રહ થયો છે. જેને એલર્ટ રૂપે દર્શાવાય છે. આ સિવાય ૯ ડેમો એવા છે જેમાં ૭૦ થી ૮૦ ટકા પાણીની આવક થઇ છે. જેનામાટે એલર્ટ અપાયુ છે. ગુજરાત મુખ્ય ૮૯ ડેમો માટે ઓવરફલોની ચેતવણી અપાઇ છે. જેમાં ૭૦ થી ૧૦૦ ટકા જળ સંગ્રહ થયો છે.

૧૧૭ ડેમો   એવા છે. જેમાં ૭૦ ટકા થી  ઓછુ પાણી ભરાયુ છેે. જયારે ૪ ડેમોમાં તો ૧ ટકા પણ જળસંગ્રહ નથી થયો. રાજયના નર્મદા ડેમ સહિત બધા મુખ્ય ડેમોમાં કુલ ક્ષમતાના સરેરાશ પ૩.પ૦ ટકા પાણી આવી ગયુ છે. તમામ ડેમોની પાણીની ક્ષમતા રપરર૬.૬૦ મિલીયન કયુબીક મીટર (એમસીએમ) છે, જયારે તેમાં ૧૩૪૯પ એમસીએમ પાણી ઉપલબ્ધ છે. જે કુલ સંગ્રહના પ૩.પ૦ ટકા છે.

નર્મદા ડેમની સપાટી ૧૧૯.૪૩ મીટરે પહોંચી

રાજયના સૌથી મોટા ડેમ સરદાર સરોવરની સપાટી ગઇકાલે ૧૧૯.૪૩ મીટર પહોંચી છે. ડેમમાં કુલ ૯૪૬૦ એમસીએમ પાણીની ક્ષમતા છે.

સૌરાષ્ટ્રના ડેમોમાં  સૌથી વધુ જળસંગ્રહ

આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. જેનાથી અહીના ડેમોમાં સૌથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. હાલ સૌરાષ્ટ્રના કુલ ડેમોમાં ૬૯ ટકા પાણીની આવક થઇ ચુકી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ડેમોમાં ૬૩.૧૦ ટકા પાણી ભરાયું છે. કચ્છના ડેમોમાં ૪૧ ટકા, મધ્ય ગુજરાતના ડેમો ૩૬ ટકા તથા ઉતર ગુજરાતના ડેમોમાં સૌથી ઓછુ ર૬ ટકા પાણી સંગ્રહાયું છે.

(11:54 am IST)