Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો રિપોર્ટ મુખમંત્રીને સોંપાયો : સમીક્ષા બાદ થશે કાર્યવાહી

શ્રેય હોસ્પિટલમાં કોવીડના આઠ દર્દીઓના મોત નિપજ્યા હતા

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં કોવિડના 8 દર્દીઓના મૃત્યુ અંગેની તપાસ કરવા મુખ્યમંત્રીએ નિમેલી કમિટીએ મુખ્યમંત્રીને  રિપોર્ટ સુપ્રત કરી દીધો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. આ રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટનાની તપાસ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવના નેજા હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીને ત્રણ દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો. આ હુકમના પગલે આ કમિટીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને રિપોર્ટ સુપ્રત કરી દીધો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરૂવારનાં રોજ મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શોટસર્કિટ દ્વારા લાગેલી આગથી બેડ નં 9ના દર્દીના વાળ સળગ્યા હતા. દર્દીને બચાવવાના પ્રયાસમાં વોર્ડ બોયે પહેરેલી પ્લાસ્ટિકની PPE કીટ સળગી ગઈ હતી. જેના કારણે અફરાતફડી મચી હતી પરિણામે દર્દીઓને લગાવેલા ઓક્સિજન માસ્ક મોઢાં પરથી હટી ગયા હતા. જેથી ઓક્સિજન હવામાં ફેલાયું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

(9:48 am IST)