Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

લોકડાઉન : સ્થિતિ કથળતા મામા ભાણેજે લૂંટ ચલાવી

ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા : ભાણીયા એ જ મામાને ટીપ આપી અને મામાએ તેના મિત્રો સાથે મળીને ભાણીયાના સહકર્મીના ૭૮ હજાર લૂંટી લીધા

અમદાવાદ, તા.૯ : શહેરમાં એવી લૂંટની ઘટના સામે આવી જેની કહાની સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણકે રૂપિયા માટે ભાણીયા એ જ મામાને ટીપ આપી અને આ જ મામાએ તેના મિત્રો સાથે મળીને ભાણીયાના સહકર્મીના ૭૮ હજાર લૂંટી લીધા હતા. જોકે લૂંટ કરીને ભલે તમામ લોકો ભાગી ગયા પણ હવે તેઓ ગણતરીના જ સમયમાં વાસણા પોલીસની ગિરફતમાં આવી જતા ચારેય આરોપીઓ રૂપિયાની મજા તો ન માણી શક્યા પણ કાયદાની સજા ભોગવશે. વાસણા વિસ્તારમાં શુક્રવારે એક લૂંટનો બનાવ બન્યો હતો. એક જગ્યાએ નોકરી કરતો કર્મચારી વેપારી પાસે પેમેન્ટ લેવા સહકર્મીને લઈને વિશાલા સર્કલ ગયો હતો. ત્યારે તેના સહકર્મીએ નાણા આવતા જ તેના મળતીયાઓ સાથે મળીને લૂંટ ચલાવી હતી. જોકે વાસણા પોલીસે લૂંટની ઘટનાને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી છે. કારણકે લૂંટના આરોપી અન્ય કોઈ નહિ પણ ફરિયાદીના સહકર્મી અને તેના મળતીયાઓ હતા.

              તે જ ગુનાના ચાર આરોપી નરેશ સરગરા, મોહન સરગરા, કરણ દંતાણી અને ગોવિંદ જાદવ કે જે અત્યારે લૂંટના ગુનામાં પોલીસ કસ્ટડીમાં છે. આરોપી નરેશે પોતાના મામા મોહન સાથે મળી લૂંટનું તરકટ રચ્યું અને જે કંપનીમાં નોકરી કરે છે તે કમ્પનીના જ ૭૮ હજાર રૂપિયા છરીની અણીએ લૂંટી લીધા. જોકે ચારેય આરોપી ફરાર થાય તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા હોવાનું વાસણા પોલીસસ્ટેશનના પીઆઇ એમ.એમ.સોલંકીએ જણાવ્યું છે. લૂંટના ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, લોકડાઉન બાદ નરેશ અને મોહનની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કારણકે નરેશ દસ હજારની નોકરી કરે છે તો તેનો મામા મોહન રીક્ષા ચલાવે છે. તેથી જ મામા ભાણેજ એ ભેગા મળીને લૂંટનું કાવતરું રચી નરેશના સહકર્મી કે જે સરખેજથી ૭૮ હજાર એક પાર્ટી પાસેથી લઈને નિકલ્યા હતા તે રૂપિયા ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

(9:53 pm IST)