Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાત યાત્રા પર : વિવિધ કાર્યક્રમો

સવારે ૯.૩૦ વાગે અમદાવાદ ખાતે આવી પહોંચશે : ૧૧મીએ અમદાવાદ તથા ગાંધીનગરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ : જીટીયુના પદવીદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ, તા. ૯ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની યાત્રાએ આવી રહ્યા છે. આવતીકાલે સવારે ૯.૩૦ વાગે અમદાવાદ વિમાની મથકે આવી પહોંચ્યા બાદ ૧૧મી જાન્યુઆરીના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં જુદા જુદા લોકાર્પણ કાર્યક્રમ તથા જીટીયુના પદવીદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ અંગેની માહિતી આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમિત શાહ ૧૧મીએ બપોરે ૧૨.૩૦ વાગે મુખ્યમંત્રી રૂપાણીના આવાસ ઉપર નિર્મિત બહુઆયામી અને જનસેવાના કાર્યોની ગતિશીલતા માટે અત્યંત ઉપયોગી એવા સીએમડેસ બોર્ડની મુલાકાત લેશે. સાથે સાથે અન્ય જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહ ૧૧મીના દિવસે સવારે ૧૦.૩૦ વાગે મહાત્મા મંદિર ગાંધીનગરમાં ગૃહવિભાગ દ્વારા સાયબર ક્રાઈમ પર અંકુશ મુકવા માટે તથા અન્ય ગુનાઓના ઝડપી ઉકેલ માટે વિવિધ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી છે તેના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા દિવ્યાંગો માટે બ્રેઇનલિપીમાં તૈયાર કરવામાં આવેલા બુકલેટ અને સાહિત્યનું લોકાર્પણ કરશે.

               ૧૨ વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા રેલવે સ્ટેશન ઉપર લોકોની સુવિધામાં વધારો કરતી વિવિધ સેવાઓનું લોકાર્પણ કરશે. બપોરે ૧૨.૩૦ વાગે પણ તેમના જુદા જુદા કાર્યક્રમો છે. ત્રણ વાગે મહાત્મા મંદિરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે છ વાગે પોતાના મત ક્ષેત્ર નારણપુરા વિધાનસભા ક્ષેત્રમાં જુદી જુદી સોસાયટીના સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચશે. જીતુ વાઘાણીએ આજે માહિતી આપતા કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે ઉલ્લેખનીય કામગીરી તેઓ અદા કરી રહ્યા છે. તેમની લોકપ્રિયતા અભૂતપૂર્વરીતે વધી રહી છે. ગૌરવશાળી અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જીટીયુના કાર્યક્રમને લઇને પણ તૈયારી કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે કહ્યું હતું કે, રાજ્યની શાંતિ અને સલામતીને જાળવવા માટે ગુજરાત પોલીસ તૈયાર છે.

                 પોલીસના વિવિધ પ્રકલ્પોની શરૂઆત અમિત શાહ ૧૧મીએ કરાવશે. ૩૧૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર વિડિયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા રહેશે. આ ઉપરાંત સાયબરના મામલામાં સાયબર આસ્વત પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે જે નાગરિકોને સાયબર ફ્રોડ અને ગુનેગારોથી માહિતગાર કરશે.

અમિત શાહના કાર્યક્રમ

*        અમિત શાહ આવતીકાલે ૯.૩૦ વાગે અમદાવાદ પહોંચશે

*        ૧૧મીએ સવારે ૧૦ વાગે મહાત્મા મંદિરમાં સાયબર ક્રાઈમના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

*        ૧૧મીએ ૧૨ વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરશે

*        ૧૧મીએ બપોરે ૧૨.૩૦ વાગે રૂપાણીના આવાસે પહોંચીને પ્રજાલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરશે

*        ૧૧મીએ બપોરે ૩ વાગે મહાત્મા મંદિરમાં જીટીયુ પદવીદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

*        ૧૧મીએ સાંજે છ વાગે પોતાના મતવિસ્તાર નારણપુરા વિધાનસભામાં વિવિધ સ્નેહમિલન કાર્યક્રમમાં રહેશે

(8:36 pm IST)