Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મહેમદાવાદ તાલુકાની નેનપુર ચોકડી નજીક ગ્રાહકના સ્વાંગમાં બે ગઠિયા મોબાઈલ તફડાવી રફુચક્કર

મહેમદાવાદ: તાલુકાની નેનપુર ચોકડી નજીક આવેલ એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યાં ઈસમો કાઉન્ટર પર મૂકેલો દુકાનદારનો રૂ.૧૪ હજારનો મોબાઈલ ચોરી કરી લઈ ગયાં હોવાની ફરીયાદ ગતમોડી સાંજે મહેમદાવાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે બંને અજાણ્યાં ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના નેનપુરમાં રહેતાં સ્નેહ નટુભાઈ પટેલ નેનપુર ચોકડી નજીક આવેલ પ્રભાત હોટલ સામે અંબા પાર્લર નામની દુકાનમાં દુધની બનાવટનું વેચાણ કરે છે. ગત તા.૧૩-૧૨-૧૯ ના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં તેઓએ નિત્યક્રમ મુજબ દુકાન ખોલી વેપાર શરૂ કર્યો હતો. સવારે છ વાગે એક અજાણ્યો ઈસમ તેમની દુકાને આવી દૂધ અને ચોકલેટ ખરીદવાનું જણાવ્યું હતું. જેથી સ્નેહ પટેલે હાથમાંનો મોબાઈલ પાર્લરના કાઉન્ટર પર મૂકી દૂધ અને ચોકલેટ લેવા માટે ફ્રિજ પાસે ગયાં હતાં. માંગ્યા મુજબની વસ્તુઓ લઈ તેઓ પરત કાઉન્ટર પહોંચ્યાં ત્યારે એક અન્ય અજાણ્યો ઈસમ પણ દુકાનમાં આવી ચડ્યો હતો. દૂધ અને ચોકલેટ લઈ બંને ઈસમો ત્યાંથી જતાં રહ્યાં હતાં. જે બાદ સ્નેહ પટેલે કાઉન્ટર પર મોબાઈલ ન જોતાં ચોંકી ઊઠ્યાં હતાં. કાઉન્ટરની આસપાસ તેમજ દરેક ડ્રોવરમાં મોબાઈલની તપાસ કરી પણ મોબાઈલ મળી આવ્યો ન હતો. આ મોબાઈલ દૂધ-ચોકલેટ લેવા માટે આવેલા બે અજાણ્યાં ઈસમો ચોરી કરી લઈ ગયાં હોવાનું લાગતાં સ્નેહ પટેલે રૂ.૧૪ હજારનો અન્ડ્રોઈડ મોબાઈલ ચોરી કરનાર બે અજાણ્યાં ઈસમો વિરૂધ્ધ ફરિયાદ આપતા મહેમદાવાદ પોલીસે અજાણ્યાં બે ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:34 pm IST)