Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભારત કે મન કી બાત મોદી કે સાથ અભિયાન આજથી

૨૬ લોકસભામાં ૨૬ રથ ફરીને માહિતી મેળવશેઃ લોકસભા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પપત્ર તૈયાર કરવા તમામ લોકોના સૂચનો લેવાશે : સવારે ૧૧ વાગે શરૂઆત

અમદાવાદ,તા.૪: પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા.૦૩ ફેબ્રુઆરીના રોજ દિલ્હી  ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત - મોદી કે સાથ અભિયાનનું લોચીંગ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભમાં આવતીકાલે તા.૦૫ ફેબ્રુ,ના રોજ ગુજરાતમાં પણ "ભારત કે મન કી બાત - મોદી કે સાથ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ ખાતે સવારે ૧૧/૦૦ કલાકે ગુજરાતની ૨૬ લોકસભામાં ૨૬ રથનું પ્રસ્થાન દ્વારા કરવામાં આવશે. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ હમેશાં પ્રજાની વચ્ચે, પ્રજાની પડખે ઊભો રહેતો હોય છે.  આ કાર્યક્રમ દ્વારા લોકોના મનની વાત સાંભળીને તેમાં ૧૨ પ્રકારના વિષયો માટે સૂચનો લેવામાં આવશે અને આ સૂચનો એ નયા ભારતની નિર્માણ માટે ભાજપના સંકલ્પ પત્રમાં આધાર બનશે. કોઈપણ રાષ્ટ્રનાં ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે વિશ્વનો સૌથી મોટો જનભાગીદારીનો આ પ્રયાસ કરશે. પંડયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "ભારત કે મન કી બાત" અંતર્ગત લોકો પોતાના વિચારો અને સૂચનો અલગ અલગ માધ્યમો દ્વારા રજૂ કરી શકશે. મીસકોલ ૬૩૫૭૧૭૧૭૧૭, વેબસાઈટ www.bharatkemannkibaat.com પર, વિડીયો રથ તેમજ સૂચન પેટીઓ દ્વારા ગુજરાતની જનતા ૨૦૧૯ લોકસભાના ભાજપના સંકલ્પ પત્ર માટે સૂચનો આપી શકશે. આ કાર્યક્રમમાં ભાજપનાં રાષ્ટ્રીય સંકલ્પપત્રનાં સભ્યઓ, રાષ્ટ્રીય-પ્રદેશ હોદ્દેદારો વગેરે વિવિધ માધ્યમથી પ્રજાજનો વચ્ચે જોડાશે. આ કાર્યક્રમમાં લોકસભા તેમજ વિધાનસભા સઃ ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવશે. આ ૨૬ રથ પ્રત્યેક લોકસભા ક્ષેત્રમાં સતત ૧ મહિના સુધી પરિભ્રમણ કરીને સૂચન પેટી, સોશીયલ મિડીયા અને વિવિધ કાર્યક્રમો દ્વારા નયા ભારતનો નિર્માણ માટે ભાજપનો સંકલ્પ બનાવવામાં લોકોના સૂચનો વ્યાપક રીતે લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, અમિત શાહે ગઇકાલે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરાની તૈયારી માટે લોકો પાસેથી સૂચનો મેળવવાની મહાકાય કવાયત શરૂ કરવાની જાહેરાત કરી હતી. અમિત શાહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામથી એક મહિના સુધી ચાલનાર કવાયતની શરૂઆત કરી દીધી હતી જેના ભાગરુપે ભારતીય જનતા પાર્ટી સંકલ્પપત્ર અથવા તો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા દેશભરમાં ૧૦ કરોડ લોકો પાસેથી અભિપ્રાય મેળવશે. આ અભિપ્રાય મેળવી લેવામાં આવ્યા બાદ પાર્ટી ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. અમિત શાહે કહ્યું હતું કે, આ કવાયતનો ઉદ્દેશ્ય ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા લોકશાહીરીતે હાથ ધરીને આને વધુ મજબૂત કરવામાં આવશે. આ અસામાન્ય અને નવા પ્રયોગથી લોકશાહી મજબૂત થશે. ન્યુ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરવા માટે પાર્ટી આગળ વધવા માટે ઇચ્છુક છે.

(9:30 pm IST)