Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

દેવપુરા નર્મદા કેનાલમાં ૪ યુવતીઓએ ઝંપલાવી દીધું

એકસાથે ચાર બહેનપણીઓના મોતથી શોકનું મોજુ : મૃતક યુવતીમાં ત્રણ પરિણિત, એક અપરિણિત છે : વિરહ અને બિમારીના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા

અમદાવાદ,તા.૪ : બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેથળી ગામની ૪ યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરતાં સમગ્ર પંથકમાં જબરદસ્ત હાહાકાર મચી ગયો હતો. એકસાથે ચાર યુવતીઓના મોતની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા સાથે શોકનો માતમ પથરાયો હતો. બનાવને પગલે સ્થાનિક ધારાસભ્ય ગનીબહેન ઠાકોર સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ આદરી છે. પોલીસને પ્રાથમિક તપાસ દરમ્યાન કેનાલના કિનારેથી મરનાર યુવતીઓના ચપ્પલ અને સ્યુસાઇટ નોટ સહિતના પુરાવા મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે સમગ્ર મામલામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરિણિત અને એક અપરિણિત હોવાનું સામે આવ્યું છે. બે યુવતીઓએ વિરહમાં તો, અન્ય બે યુવતીઓએ બિમારીના કારણોસર એમ ચારેય બહેનપણીઓએ એકસાથે જ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલું કરતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચારેય યુવતીઓના એકસાથે આપઘાતને લઇ અનેક અટકળો અને તર્ક-વિતર્કો પણ પંથકમાં વહેતા થયા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા..ઠાકોર સમાજની બે યુવતીઓને બીમારી થતાં અંતિમ પગલું ભર્યું હતું. બંનેના વિરહમાં અન્ય બે બહેનપણીઓએ પણ અંતિમ માર્ગ અપનાવીને જીવન ટૂંકાવ્યું હતું. કેનાલ પાસે ચારેય યુવતીઓના ચપ્પલ મળ્યા હતા. સાથે જ સુસાઈટ નોટ પણ મળી આવી હતી. જેમાં બેએ બીમારી અને બીજી બેએ વિરહમાં આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ૪ યુવતીઓ ડૂબી હોવાના મેસેજ મળતાં જ તંત્રએ સ્થાનિક તરવૈયાઓને કેનાલમાં શોધખોળ માટે ઉતાર્યા હતા.

(8:46 pm IST)