Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ગેરરીતિ? બે વર્ષમાં ગુજરાતના માત્ર ૧૨૮૬૯ યુવાનોને રોજગારી

રોજગારલક્ષી અભ્યાસક્રમો વ્યર્થઃ ડો.મનીષ દોશીના આક્ષેપ

અમદાવાદ તા.૪: દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દેશમાં અને ગુજરાતની હજારો કોલેજોમાં આ યોજના હેઠળ કાર્ય શરૂ થયા છે. પરંતુ કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને રોજગારી મળતી નથી. રોજગારી આપવામાં આ યોજના નિષ્ફળ નિવડી છે. એઆઇસીટીઇના આંકડાએ જ આ યોજનાની પોલ ખાલી છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હજારો વિદ્યાર્થીઓને કોર્ષ કર્યો પરંતુ માત્ર એક જ વિદ્યાર્થીને રોજગારી મળી છે. ત્યારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ભ્રષ્ટાચારમાં કૌશલ પ્રાપ્ત કરવાની ભાજપ યોજના બની ગયાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ કર્યો છે.

વર્ષ-૨૦૧૬-૧૭માં ગુજરાતમાં ૨૭ કોલેજોમાં આ કોર્ષ શરૂ કરાયા હતા. વર્ષ-૨૦૧૬-૧૭માં ૪૯૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેમાંથી ૧૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ૧૭૩ માંથી એક જ વિદ્યાર્થીને આ યોજના હેઠળ નોકરી મળી. વર્ષ-૨૦૧૭-૧૮માં ૨૩૬૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેમાંથી ૫૦૧ વિદ્યાર્થીઓ પાસ થયા વર્ષ-૨૦૧૭-૧૮માં આ યોજના હેઠળ ૫૦૧ માંથી એકપણ વિદ્યાર્થીને નોકરી ના મળી વર્ષ-૨૦૧૮-૧૯માં ગુજરાતની ૭૮ કોલેજોમાં કોર્ષ શરૂ કરાયા છે જેમાં ૪૪૦૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે વર્ષ ૨૦૧૮-૧૯નું એસેસમેન્ટ કરવાનું બાકી છે સમગ્ર દેશમાં આ યોજના હેઠળ લાખો વિદ્યાર્થીઓએ કોર્ષ કર્યો છે. પરંતુ આ યોજના વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. સમગ્ર દેશમાં આ યોજનાના આંકડા પર નજર કરીએ તો. વર્ષ ૨૦૧૬-૧૭માં આ યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૨૭૪ કોલેજોમાં આ યોજના લાગુ કરાઇ જેમાં ૩૪૭૫૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૯૦૭૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા વર્ષ-૨૦૧૬-૧૭માં ૯૦૭૪ માંથી માત્ર ૨૬૭૭ વિદ્યાર્થીઓને જ રોજગારી મળી વર્ષ ૨૦૧૭-૧૮માં સમગ્ર દેશમાં ૧૫૮૪ કોલેજોમાં આ યોજના હેઠળ કોર્ષ શરૂ કરાયા. જેમાં ૮૬૧૪૧ વિદ્યાર્થીઓ નોંધાયા જેમાંથી ૮૬૭૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે વર્ષ -૨૦૧૭-૧૮માં ૮૬૭૨ માંથી એકપણ વિદ્યાર્થીને નોકરી ના મળી વર્ષ ૨૦૧૮-૧૯માં સમગ્ર દેશમાં ૧૭૧૨ કોલેજોમાં કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં ૨૦૫૫૭૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે વર્ષ ૨૦૧૮-૧૯નું એસેસમેન્ટ કરવાનું બાકી છે.

દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનમાં નોટબંધી અને જીએસટી અવ્યવસ્થાના કારણે લાખો નોકરીઓ છીનવાઇ ગઇ છે. ભાજપ સરકારમાં મોંઘુ શિક્ષણ બાદ સરકારી નોકરીઓમાં મોટાપાયે ગેરીતિને લીધે સામાન્ય મધ્યમ વર્ગના લાખો યુવાનોની કારકીર્દી સાથે ચેડા થઇ રહ્યાના ગંભીર આક્ષેપ કરતાં ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રોજગારી મુદ્દે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના તાજેતરમાં આવેલા અહેવાલમાં સમગ્ર દેશમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર છે. શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર ૭.૮ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૫.૩ ટકા એટલે કે દેશમાં સરેરાશ ૬.૧ ટકા બેરોજગારીનો દર છે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષિત મહિલાઓમાં બેરોજગારીનો દર ૧૭.૩ ટકા છે. જે ઘણી જ ગંભીર અને પડકારરૂપ છે. ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનીંગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષના સમયગાળામાં ગુજરાતમાં માત્ર ૧૨૮૬૯ યુવાનોને રોજગારી મળી છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીએ આપેલા બેરોજગારીના આંકડા મુજબ ૨૦૧૮ના અંત સુધી ગુજરાતમાં બેરોજગારીની ટકાવારી ૭.૫ ટકા જેટલી ઉંચી છે.

(4:05 pm IST)