Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પીએસઆઇ-કોન્સ્ટેબલોને ૩ બીએચકેના મકાનો મળશે

કવાર્ટ્સ ફાળવણીની સાઇઝમાં વધારાની જાહેરાત : સરકારના નિર્ણયને લઇ સમગ્ર રાજયના પોલીસ બેડામાં ખાસ કરી પોલીસ કોન્સ્ટેબલો તેમજ પીએસઆઇમાં ખુશી

અમદાવાદ,તા.૩ :  રાજ્ય સરકાર દ્વારા આજે વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યના પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અધિકારીઓને ૨ બીએચકેના ક્વાર્ટર્સના બદલે હવેથી ૩ બીએચકેના ક્વાર્ટર્સ મળશે. પોલીસ અધિકારીઓને સવલતો વધે અને પારિવારીક જીવનમાં સરળતા વધે તે હેતુંથી અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબને મળતાં ૪૧.૮૫ ચો.મી.ના ૨ બીએચકેના બદલે ૫૦થી ૫૫ ચો.મી.ના ૩ બીએચકેના ક્વાર્ટર્સ મળશે. જ્યારે પીએસઆઇને મળતાં ૫૫.૪૬ ચો.મી.ના ૨ બીએચકેના બદલે ૬૦થી ૬૫ ચો.મી.ના ૩ બીએચકે ક્વાર્ટર્સ મળશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. સરકારની આ જાહેરાતને પગલે સમગ્ર રાજયના પોલીસ બેડામાં ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ આલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે. ગુજરાતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા માટે મળતા સરકારી આવાસના આકારમાં મોટા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, રાજ્યના પોલીસ બેડામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને પીએસઆઇને હવે બે રૂમના બદલે ત્રણ રૂમના મકાન મળશે. પોલીસ અને તેમના પરિવારની સવલતોમાં વધારો થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર પહેલા કોન્સ્ટેબલને મળતા મકાન ૪૧.૮૫ ચોરસ મીટરનાં હતા તે હવે વધારીને ૨ બીએચકેનાં ૫૦થી ૫૫ ચોરસ મીટરના બનશે. જ્યારે પીએસઆઇને હાલમાં ૫૫.૪૬ ચોરસ મીટરના મકાન મળે છે તે હવે વધારીને ૩ બીએચકેનાં ૬૦થી ૬૫ મીટરના કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના અમદાવાદ સહિતના શહેરોમાં હાલમાં પણ ઘણા પોલીસકર્મીઓ એવા છે જેઓના નામ સરકારી મકાન મેળવવામાં હાલમાં પણ વેઇટિંગમાં છે ત્યારે હવે જોવુ રહ્યું કે નવા મોટા આકારના મકાનો ક્યાં સુધીમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓને મળે છે. દિવસ-રાત લોકો અને નેતાઓની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસકર્મીઓની રહેવાની સમસ્યા સરકારે ઝડપથી દૂર કરવી જોઈએ તેવી લાગણી પણ પોલીસ બેડામાં ઉઠવા પામી છે. જો કે, સરકારના હાલના નિર્ણયને લઇ પોલીસબેડામાં ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ આલમમાં ખુશીની લાગણી ફરી વળી છે.

 

 

 

 

(9:19 pm IST)