Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમદાવાદમાં રેમડેસિવિરની કાળા બજારી કરનાર ચાર શખ્સોને ઝડપ્યા : 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત

એક ઈન્જેક્શન રૂ.26 હજારમાં વેચતા હતા.: રામોલ પોલીસે દબોચી લીધા

અમદાવાદ : સાઈબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાંચ, ઝોન 2 સ્કવોર્ડ બાદ રામોલ પોલીસે પણ રેમડેસિવિરની કાળા બજારી કરનાર ચાર શખ્સોને ઝડપીને 4 ઈન્જેક્શન, બે મોબાઈલ સહિત રૂ.1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી રોકવા માટે એજન્સી સહિત પોલીસ સતત પ્રયત્નશીલ બની રહી છે, સુપ્રીમ કોટૅ પણ કાળા બજારી બંધ કરાવવા સ્પષ્ટ જણાવ્યું છે.

આ દરમિયાનમાં રામોલ પોલીસને બાતમી મળી હતી કે, રામોલ માધવ સ્કૂલ સામે કેટલાક શખ્સો રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે. આ બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.આર.ભાટી તથા તેમનો સ્ટાફ તે જગ્યાએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન શશાંક જયસ્વાલ (રહે. ઓઢવ) અને નીલ જયસ્વાલ (રહે.ઓઢવ) બંન્ને રેમડેસિવિરના 4 ઈન્જેક્શન રાખીને માર્કેટ કરતાં વધુ ભાવે વેચતા પકડાઈ ગયા હતા

આથી પોલીસે તે બંન્નેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરી ત્યારે જાણવા મળ્યુ કે, આ બંન્ને આરોપીઓ વસ્ત્રાલ માધવની પોળ પાછળ આશીર્વાદ પાર્ક ફ્લેટ નીચે આવેલા ચાર ભૂજા મેડિસિન નામના મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હતા અને હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી હોવાના કારણે મેડિકલ સ્ટોર્સના માલિક વિકાસ અજમેરા અને તેમના મિત્ર પ્રવિણ મણવર ભેગા મળી ક્યાંકથી રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લાવતા હતા.

તેમની પાસેથી ઈન્જેક્શન મેળવીને એક ઈન્જેક્શન રૂ.26 હજારમાં વેચતા હતા. જેના પગલે રામોલ પોલીસે આશીર્વાદ પાર્કમાં રહેતા વિકાસ અજમેરા અને પ્રવિણ મણવરની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(7:01 pm IST)