Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગાંધીનગર જિલ્લામાં કેનાલમાં આપઘાતનો સિલસિલો યથાવત:ત્રણ દિવસમાં ત્રણ અલગ-અલગ મૃતદેહ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ આમતો કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીનો પુરવઠો પહોંચાડવા માટે બનાવવામાં આવી છે પરંતુ હાલ કેનાલ આપઘાત માટે હોટસ્પોટ સાબિત થઈ રહી છે. જિલ્લામાં આંતરે દિવસે નર્મદા કેનાલમાં આપઘાતની ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ત્રણ અલગ અલગ યુવાનોના મૃતદેહ કેનાલના પાણીમાંથી મળી આવ્યા છે. હાલ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શુક્રવારે સવારના સમયે ઝુંડાલ નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા ૪૦થી ૪૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યો હતો જે પાણીમાં ફોગાઈ ગયો હોવાનું જણાયું હતું તો આજ સમયે રપથી ૩૦ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પણ પાણીમાં મળી આવ્યો હતો. જેની ડાબા હાથની આંગળીઓ ઉપર અંગ્રેજીમાં લવ લખેલું હતું. ત્યારે આજે સવારના સમયે પણ અડાલજ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી ૪૦થી ૪પ વર્ષના અરસાના વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણેય ઘટનાઓમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તેમના વાલીવારસોની શોધખોળ શરૃ કરી છે. ગાંધીનગર જિલ્લામાં અગાઉ આપઘાતના બનાવો અટકાવવા માટે નર્મદા કેનાલ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવતો હતો પરંતુ સિક્યોરીટી જવાનો હટાવી લેવાતાં આપઘાતના બનાવો વધી રહયા છે.

(4:51 pm IST)