Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમદાવાદ જિલ્લાના સુંવાળા ગામે ધાર્મિક પ્રસંગમાં સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરનારને અટકાવવા ગયેલ પોલીસની ટિમ પર લોકોએ હુમલો કરતા બે કર્મીઓ ઈજાગ્રસ્ત

અમદાવાદ :જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબજ કથળી ગઈ છે. જીલ્લામાં દિન-પ્રતિદિન ચોરી મારામારીના બનાવોએ માઝા મુકી છે ત્યારે અમદાવાદ જીલ્લાના સુંવાળા ગામે માતાજીની રમેલના ધાર્મીક પ્રસંગમાં ૧૦૦થી ૧૫૦ માણસો ભેગા થયેલ સોશ્યલ ડીસન્ટ ભંગ અટકાવવા ગયેલ દેત્રોજ પોલીસ ટીમ ઉપર હુમલો કરતા પીએસઆઈ સહિત બે પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચાડી બાબતની ૨૪ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.

ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવું, ફરજીયાત માસ્ક પહેરવું સહિતની ગાઈડ લાઈન આપવામાં આવી છે ત્યારે દેત્રોજ તાલુકાના સુંવાળા ગામે કટોસણા વાસમાં માત્રી માતાના મંદિર પાસે ચોકમાં ઠાકોર સમાજની માતાજીની રમેલ છે ત્યાં ઘણા બધા માણસો ભેગા થયેલ છે તેવી હકીકત આપશ્રી તરફથી મળતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે ગયેલ જ્યાં ૧૦૦થી ૧૫૦ માણસો બેઠા હતા. સોશ્યલ ડીસ્ટન્ટનું ઉલ્લંઘન, માસ્ક પહેરેલ નહીં, પૂર્વ મંજૂરી સિવાય લાઉડ સ્પીકર વગાડી ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા હતા. તેને અટકાવવા ગયેલ પોલીસ ઉપર લાકડી, ધોકા, ઈંટોના રોડા પત્થર વડે પોલીસ ઉપર હૂમલો કર્યો હતો જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એએન નીનામા, પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ઠાકોર સિદ્ધરાજને હાથ કાન માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે દેત્રોજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે કડી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેત્રોજ પોલીસ કોન્સટેબલ જગદીશ ઠાકોર દ્વારા ૨૪ વ્યક્તિઓ સામે નામજોગ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે.

(4:48 pm IST)