Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉન વચ્ચે ડ્રોન સર્વેલન્સ વધુ સઘન બનાવવાની જાહેરાત

સોસાયટી-મોહલ્લામાં એકત્રિત ન થવા સૂચના : તહેવાર દરમિયાન ધર્મસ્થાનોમાં ૨-૩થી વધુ લોકોને ભેગા ન થવા દેવા ધર્મગુરુઓને ગુજરાતના પોલીસ વડાનું સુચન

અમદાવાદ,તા.૨ :  લોકડાઉનને વધુ ચુસ્તરીતે અમલ કરવા માટે ડ્રોન સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી રહી છે. મોહલ્લાઓ અને સોસાયટીઓમાં પણ લોકોને એકત્રિત ન થવાની અપીલ કરવામાં આવી છે. પીએસઆઈ કે તેથી નીચેની કેડરના સક્ષમ નિવૃત્ત અધિકારીઓની પણ સેવા લેવામાં આવનાર છે. તહેવાર દરમિયાન ધર્મસ્થાનોમાં બેથી ત્રણ લોકોને ભેગા ન થવા દેવા માટેની પણ અપીલ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરાઈ છે. રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર 'ઘરે રહો.. સુરક્ષિત રહો... અને સ્વસ્થ રહો..'ના મંત્રને અનુસરીને લૉકડાઉન અંતર્ગત વૈમનસ્ય પેદા ન થાય એ માટે નાગરિકો કાળજી રાખે, આપણે સૌ ભાઈચારાની ભાવનાને વધુ બળવત્તર બનાવી એકબીજાને સહયોગી બનીએ એ અત્યંત જરૂરી છે.

         નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લૉકડાઉન સંદર્ભે મીડિયાને વિગતો આપતા શ્રી શિવાનંદ ઝાએ કહ્યું કે શહેરોના અમુક વિસ્તારોમાં લૉકડાઉનનો ચુસ્ત રીતે અમલ થતો નથી એવી બાબતો ધ્યાને આવી છે ત્યારે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવાનો નિર્ણય કર્યો છે, એટલે સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. શ્રી ઝાએ ઉમેર્યું કે લૉકડાઉન અંતર્ગત માલવાહક વાહનોને છૂટ આપવામાં આવી છે પરંતુ આવા વાહનોમાં માણસોની હેરફેર થતી હોય એવા કિસ્સા ધ્યાને આવ્યા છે એટલે પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. આવા સંજોગોમાં વાહન જપ્ત કરીને માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાશે. જુનાગઢ ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી સંદર્ભે એમ્બ્યુલન્સના સંચાલક સહિત ૧૦ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે લૉકડાઉન અને કોરોના વાયરસ અંગે રાજયના વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો સમૂહ માધ્યમો દ્વારા સચોટ અને સાચી માહિતી આપવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ નાગરિકો ગેરમાર્ગે દોરાઈ તથા અફવાઓ ફેલાય તેવી પોસ્ટ ન મૂકવા પણ અપીલ છે. આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવી રહી છે તે અંતર્ગત પણ રાજ્યમાં ૨૫ ગુના નોંધીને ૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

          શ્રી ઝાએ તહેવારોના સમયમાં પણ નાગરિકોએ તહેવારની ઉજવણી ઘરે રહીને કરવા અપીલ કરતા કહ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં પણ બેથી ત્રણ લોકો સિવાય વધુ લોકોને એકત્ર  ન થવું જેથી કરીને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય એ જ રીતે ધર્મગુરુઓને પણ નાગરિકોને ધર્મ સંસ્થામાં એકત્ર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. પોલીસ વડાશ્રી ઝાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સૂચન પ્રમાણે રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેવા હેતુથી કમ્યુનિટી વોલિન્ટીયર્સ તરીકે સિવિલ ડિફેન્સના જવાનો, કોલેજના દ્ગજીજી/દ્ગઝ્રઝ્રના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિવૃત પીએસઆઇ અને તેથી નીચેની કેડરના શારીરિક સક્ષમ પોલીસ કર્મચારીઓને પણ ટૂંકા ગાળા માટે તેમની સેવામાં લેવામાં આવશે જેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

          તેમણે જણાવ્યું હતું કે મરકઝ, નિઝામુદ્દીનમાંથી ગુજરાતમાં આવેલા લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી વિગતો મુજબ વિવિધ સ્થળૉએ ચેકિંગ કરીને આજે સુરતમાંથી ૦૮ તેમજ અમદાવાદમાંથી ૦૪ એમ અત્યાર સુધીમાં કુલ-૮૪ને ઓળખી લઈને કવૉરન્ટાઈનમાં લઈ લેવામાં આવ્યા છે જ્યારે હજુ પણ બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. શ્રી ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ બદલ ૭૫૩, કવૉરન્ટાઈનના ભંગ બદલ ૩૬૧ જ્યારે અન્ય ૪૨ ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં ૧૯૯૦ આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે ૫૭૦૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

લોકડાઉન વચ્ચે પગલા

અમદાવાદ, તા. ૨

જાહેરનામા ભંગ બદલ કેસ............................ ૭૫૩

ક્વોરનટાઇન ભંગ બદલ ગુના....................... ૩૬૧

અન્ય ગુનાઓ.................................................. ૪૨

આરોપીઓની ધરપકડ................................ ૧૯૯૦

વાહનો જપ્ત કરાયા.................................... ૫૭૦૭

મરકઝમાં ભાગ લેનારની ઓળખ.... અમદાવાદ (૪)

મરકઝમાં ભાગ લેનારની ઓળખ............ સુરત (૪)

મરકઝમાં ભાગ લેનાર કુલ ઓળખાયા.............. ૮૪

સર્વેલન્સની કામગીરી......................... ૧૫૩ ડ્રોનથી

(9:44 pm IST)