Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગુજરાત યુનિ.ની ૨૫ જૂનથી યોજાનારી પરીક્ષા મુલત્વી

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ બે તબક્કાની પરીક્ષાની શરૂઆત ૧૦ જૂલાઈ બાદ થશે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

અમદાવાદ, તા. ૨: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ૨૫ જૂનથી લેવાનાર પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે. હવે ૧૦ જૂલાઈ બાદ પરીક્ષા લેવામાં આવશે. બે તબક્કામાં યોજાનાર પરીક્ષાની શરૂઆત ૧૦ જૂલાઈ બાદ લેવાશે. આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ૧૦ જુલાઈએ અંતિમવર્ષના વિદ્યાર્થીઓ અને પીજીના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે સેમેસ્ટર ૨ અને ૪ નાં વિદ્યાર્થીઓને મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં નહીં આવે.

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના વતન નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના ડીન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.

(12:06 am IST)