Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આણંદનાં દિવ્યા બહેન પીપીઈ કીટ પહેરી બ્યૂટી ટ્રિટમેન્ટ કરે છે

અનલોક-૧માં પુરી તકેદારી સાથે બ્યૂટી પાર્લર શરૂ : એપોઈન્ટમેન્ટથી ગ્રાહકને બોલાવાય છે : તમામ તકેદારી

આણંદ, તા. ૨  : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સમય મર્યાદામાં વધારો કરીને કેટલીક ચોક્કસ શરતોને આધીન (અનલોક-૧)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે ધંધાદારીઓ પોતાના ધંધા વેપારને પહેલાની જેમ ફરી એકવાર પાટા પર લાવી શકે અને રોજગારી મેળવી શકે તેમજ નાગરીકોને પણ કોઈ પણ અગવડતા ન અનુભવાય. આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં બ્યુટી પાર્લરનાં વ્યવસાય સાથે સંકળાયેલ દેવી પાર્લરનાં દિવ્યાબેન કહે છે કે, હું છેલ્લા ૧૫ વર્ષથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી છું. હાલમાં સરકાર દ્વારા ધંધા રોજગાર માટે કેટલીક ચોક્કસ શરતોને આધીન અને સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે અમારા જેવા લોકોના વેપાર ધંધા ફરી એક વાર પાટા પર આવશે. દિવ્યાબેન કહે છે કે, સરકાર દ્વારા સમગ ગાળામાં વધારો કરતાં મેં પણ મારા પાર્લરની શરૂઆત કરી  છે. મારે ત્યાં લોકડાઉન પૂર્વે પણ કેટલાક ગ્રાહકો એપોઈન્મેન્ટ લઈને આવતા હતા. પરંતું હાલમાં કોરોના વાઈરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રાહકો પહેલેથી એપોઈન્મેન્ટ લઈને આવે છે. દિવ્યાબેન જણાવે છે કે હાલમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે હું મારા ત્યાં પહેલેથી એપોઈન્ટમેન્ટ લીધેલ હોય તેવા ગ્રાહકોને જ સેવા આપું છું. મારા ત્યાં આવનાર ગ્રાહકોની કાળજી લઈને તેમને સૌ પ્રથમ સેનેટાઈઝ કરૃં છું અને તે બાદ તેમને સેવા આપતા સમયે તકેદારીના ભાગરૂપે પીપીઈ કીટ, માસ્ક, ગ્લવ્સનો ઉપયોગ કરૃં છું. સાથે જ ડિસ્પોઝેબલ એપ્રોનનો પણ ઉપયોગ કરૃં છું. જેથી એક ગ્રાહકને સેવા આપ્યા બાદ તે એપ્રોનનો નિકાલ કરી અન્ય ગ્રાહકને સેવા આપતી વખતે નવા એપ્રોનનો ઉપયોગ કરૃં છું. સામાન્ય રીતે આઈબ્રો દોરાનાં ઉપયોગથી કરવામાં આવે છે પરંતુ હાલની કોરોના વાઈરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેના માટે વેક્સનો ઉપયોગ કરી રહી છું અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે  ગ્રાહકનો સંપર્ક બને તેટલો ઓછો કરી રહી છું. આવનારા દિવસોમાં જ્યારે બધું સામાન્ય થઈ જશે ત્યારે પણ આ રીતે જ ગ્રાહકોની તકેદારી રાખીશું.   દેવી પાર્લરનાં ગ્રાહક ભૂમિકાબેન પટેલ કહે છે કે હું વાસદથી અહીં આવી છું અને મેં અગાઉથી જ દિવ્યા બેન પાસે એપોઈન્મેન્ટ મેળવી હતી. જેના કારણે સમય ઓછો બગડે. શરૂઆતમાં તો ખચકાટ થતો હતો કે આવા સમયમાં જઈશું અને કોરોના થઈ જશે તો.... પરંતુ અહીંયા અમારી ખૂબ જ સારી સંભાળ રાખવામાં આવી છે. અને અહીંયા દિવ્યા બેન દ્વારા સેવા આપતી વખતે પીપીઈ કીટ અને સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી અમે સુરક્ષિત રીતે સેવા મેળવી છે.   આમ, રાજ્ય સરકાર દ્વારા અનલોક-૧ અંતર્ગત કેટલીક શરતોને આધીન જે છૂટછાટ આપવામાં આવી છે જેનાં કારણે દિવ્યાબેન જેવા નાના વેપાર કરતાં દુકાનદારો અને કારીગરો માટે આજથી આ અનલોક-૧ તેમનાં માટે  આર્શીવાદરૂપ બની રહ્યું છે.

(7:35 pm IST)