Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગુજરાત યુનિવર્સિટીની ૨૫ જૂને યોજાનારી પરીક્ષા પાછી ઠેલાઇઃ ૧૦ જુલાઇઍ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને પીજીના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત યુનિર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા કોરોના વાયરસના પ્રકોપના કારણે હવે પાછળ ઠેલવામાં આવી છે. હવે યુનિવર્સિટીની પરીક્ષાઓ 10 જૂલાઈ બાદ લેવાશે. જણાવી દઈએ કે, પહેલા આ પરીક્ષાઓ 25 જૂનથી શરૂ થવાની હતી. જેને લઇને વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

10 જુલાઈએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને પીજીના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની ફાઇનલ તારીખનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. 2 અને 4 સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓને મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર નથી. તેઓને પ્રમોશન આપવામાં નહીં આવે.

ગુજરાત યુનિ.માં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના ડિન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.

(4:45 pm IST)