Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હવે સરકારી કે ખાનગી લેબમાં પૂર્વ મંજૂરી વિના કોરોના ટેસ્ટ કરી શકાશે

ડોકટરનું પ્રિસ્કિપ્શન જરૂરીઃ અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલાનો પરિપત્ર

રાજકોટ તા. ર :.. રાજય સરકારે હાઇકોર્ટના આદેશ અને સરકારી કમીટીની ભલામણના આધારે કોરોના ટેસ્ટ માટેની જોગવાઇમાં ફેરફાર કર્યો છે. હવે પૂર્વ મંજૂરી વગર ખાનગી લેબમાં ટેસ્ટ થઇ શકશે. રાજયના આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલાએ આજે આ અંગે પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયુ  છે કે સૂચિત દર્દીઓ માટે હવેથી ખાનગી તબીબોના પ્રિસ્ક્રિપ્શન  આધારીત ખાનગી કે સરકારી લેબોરેટરી ખાતે ટેસ્ટ કરી શકાશે. આ માટે કોઇપણ પ્રકારની પૂર્વ મંજુરી લેવાની રહેશે નહિં. ખાનગી તબીબોએ તેમજ લેબોરેટરીએ જે તે જીલ્લા-કોર્પોરેશનના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી-આરોગ્ય અધિકારી મહાનગરપાલીકાને ઇ-મેઇલ દ્વારા જાણ કરવાની રહેશે તથા સરકાર દ્વારા માન્ય મોબાઇલ  એપ્લીકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે. વધુમાં કોવિડ-૧૯ રોગ સંક્રમિત થવાની સંભાવનાને ધ્યાને લઇ જે પણ દર્દીનો ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે આ દર્દીને અચૂક દાખલ કરવાનો રહેશે. દર્દીના ટેસ્ટનું પરિણામ આવે તે બાદ જ જો નેગેટીવ હોય તો દર્દીની સ્થિતિ આધારે તબીબ રજા આપી શકશે અને જો પોઝીટીવ હોય તો કોવિડ ૧૯ની ટ્રીટમેન્ટ માર્ગદર્શિકાને અનુસારવાનું રહેશે.

આઇસીએમઆરની ગાઇડલાઇન સિવાયના કિસ્સામાં જો ટેસ્ટ કરવાનો થાય તો તે સમયે જે તે હોસ્પિટલ/સારવાર કરનાર તબીબે અમદાવાદ શહેર, જીલ્લા માટે મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ સોલા, અમદાવાદ તથા અન્ય જીલ્લા-કોર્પોરેશન માટે સંલગ્ન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી-આરોગ્ય અધિકારી મહાનગરપાલિકાની મંજૂરી લેવાની રહેશે. મંજુરી આપનાર અધિકારીએ આ મંજુરી અરજી મળ્યાના ર૪ કલાકની અંદર જો યોગ્ય જણાય તો આપવાની રહેશે.

(4:02 pm IST)