Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કેરીનો ટેમ્પો આવતા બાખડી પડયાઃફડાકાવાળીઃ પોલીસ સુધી મામલો ગયો

સુરતઃ કોરોનાની મહામારીને લઇને હજુ પણ સુરતના કેટલાક વિસ્તારોમાં બહારના લોકો અથવા તો અન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, ત્યારે સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ઇન્ડોર સ્ટેડિયમની સામે ગેલેકસી એપાર્ટમેન્ટમાંમાં રહેતા પ્રતીક શાહ અને યોગેશ શાહે કેરીનો ટેમ્પો મંગાવ્યો હતો. જયારે કેરીનો ટેમ્પો એપાર્ટમેન્ટમાંથી બહાર જઈ રહ્યો હતો તે સમયે નરેશ સંઘવી નામના હીરા દલાલે કેરીના ટેમ્પાને અટકાવ્યો હતો અને કોની મંજૂરીથી ટેમ્પો એપાર્ટમેન્ટની અંદર પ્રવેશ્યો તે બાબતે ડ્રાઈવરને સવાલ કર્યા હતા.

આ ઘટનાની જાણ પ્રતીક શાહ અને યોગેશ શાહને થતા તે બંને ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે આવીને નરેશ સંઘવી સાથે બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી દરમિયાન પ્રતીક અને યોગેશે નરેશ સંઘવીને તમાચો માર્યો હતો. જેથી ભાઇને માર ખાતો જોઈ નરેશનો મોટોભાઈ રૂપેશ સંઘવી વચ્ચે પડ્યો હતો અને બંનેએ પ્રતીક અને યોગેશને માર માર્યો હતો. એપાર્મેન્ટની વચ્ચે કેરીની બાબતને લઈને ઝઘડો શરૂ થઇ જતા કોઈ પોલીસને જાણ કરી.

 ઉમરા પોલીસ સ્ટેશનેથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે હીરા દલાલ નરેશે પ્રતીક અને યોગેશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રતીક અને યોગેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(2:47 pm IST)