Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જેલ સુપ્રિ.ના ફોન દ્વારા વિડીયો કોલીંગથી કેદીઓને વાત કરાવવા તંત્ર સજ્જઃ ડો.કે.એલ.એન. રાવ

પીએસઆઇ કક્ષાના અધિકારી સેતુરૂપ બનશે : ૪૫ મીનીટની અવધીવાળી વાતચીત સમયે જવાબદારનું સુપરવીઝન રખાશે : ૮ જુનથી રાજયભરમાં પ્રસિધ્ધ જેલ ભજીયા હાઉસ ધમધમશે : ગુજરાતના જેલ વડા સાથે અકિલાની વાતચીત : હાલમાં રાજયભરની જેલોમાં કેદીઓને પરિવાર સાથે વાત કરાવાય છે, જેનો હજારો કેદીઓએ લાભ લીધો છેઃ હાઇકોર્ટના આદેશ મુજબ નવી પધ્ધતી અમલમાં મુકવામાં આવશે

રાજકોટ, તા., ૨: ગુજરાતની વિવિધ જેલોમાં રહેલા કેદીઓને અસ્થાયી જામીન આપવામાં આવે તો આવા કેદીઓમાં કોવીડ-૧૯ના લક્ષણ હોય તો બિમાર વ્યકિતઓ માટે વધુ  મુશ્કેલી સર્જાઇ તેવી ભીતિ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા પોણો કલાક સુધી વિડીયો કોલીંગથી આવા કેદીઓને વાત કરાવવા માટે આપેલ આદેશ સંદર્ભે ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન. રાવનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે જેલ અધિક્ષકના સતાવાર મોબાઇલ પરથી વિડીયો કોલીંગ દ્વારા જેલ તંત્રના જવાબદારોની ઉપસ્થિતિમાં વાત કરાવવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અત્રે યાદ રહે કે, રાજયની વિવિધ જેલોમાંથી સમયાંતરે પરીવાર સાથે ટેલીફોનીક  વાતચીત કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો કેદીઓએ આ સુવિધાનો લાભ લીધો છે. હાઇકોર્ટના આદેશ મુજબ હવે વિડીયો કોલીંગથી પણ કેદીઓને વાત કરાવવામાં આવશે.

અત્રે યાદ રહે કે સુરતના એક સ્ટુડીયો માલીક દ્વારા કે જેઓની સામે ગંભીર પ્રકારના આરોપ છે તેવા આ શખ્સ દ્વારા પોતાના પિતાની પ્રોસ્ટેટ ગ્રંથીની સર્જરી માટે પોતાને પિતાની સાથે હાજર રહેવા દેવા માટે હાઇકોર્ટમાં માંગણી કરી હતી. હાલના રોગચાળાની પરિસ્થિતિમાં સંબંધક આરોપીના પિતા માટે પણ માંગણી કરનાર શખ્સ કોવીડ કેરીયર સાબિત થઇ શકે છે તેવું અવલોકન હાઇકોર્ટ દ્વારા થયું હતું.

સમગ્ર ગુજરાતમાં ફેમસ બનેલા જેલના  સ્વાદિષ્ટ ભજીયા સેન્ટરો ૮ જુનથી પ્રારંભ  થનાર હોવાની બાબતને પણ રાજયના જેલ વડા ડો. કે.એલ.એન.રાવે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

(11:47 am IST)