Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ધારાસભ્યોને માસ્ક પહેરાવી આઘા-આઘા રાખી મતદાન કરાવાશેઃ કોરોના થાય તો મતદાનથી વંચિત

૧૯ જુને રાજયસભાની ચૂંટણીઃ નવો માહોલ, નવી ગાઇડ લાઇન

રાજકોટ તા. ર :.. કેન્દ્રીય ચૂંટણી પંચે દેશની રાજયસભાની ૧૮ બેઠકોની ચૂંટણી ૧૯ માર્ચે યોજવાનું જાહેર કર્યુ તેમાં ગુજરાતની ૪ બેઠકોનો સમાવેશ થાય છે. કોરોના પછી પ્રથમ વખત રાજયસભાની ચૂંટણી આવી હોવાથી નવી ગાઇડ લાઇન મુજબ ચૂંટણી પ્રક્રિયા થશે. ધારાસભ્યોએ માસ્ક પહેરીને તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને મતદાન કરવુ પડશે. એ જ પધ્ધતિ મત ગણતરી વખતે પણ લાગુ પડશે.

હાલ અમદાવાદના ભાજપના બે ધારાસભ્યોને કોરોના થયેલ છે. મતદાન સુધીમાં તેઓ સંપૂર્ણ સાજા થઇ જવાની આશા છે. જેનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવે તેણે ઓછામાં ઓછા ૧૦ દિવસ હોસ્પિટલમાં દાખલ થવુ પડે છે. તેના સંપર્કમાં આવેલા ને પણ કોરોન્ટાઇન કરવામાં આવે છે. જો રાજયસભાની ચૂંટણી વખતે કોઇ ધારાસભ્ય કોરોનાગ્રસ્ત હોય તો તેને મતદાનમાં ભાગ ન લેવા દેવામાં આવે તેવી અત્યારની સ્વભાવિક છાપ છે. જો આવુ કંઇ થાય તો શું નિર્ણય લેવો તેની કોઇ સત્તાવાર ગાઇડ લાઇન ચૂંટણી પંચ કે આરોગ્ય વિભાગે જાહેર કરેલ નથી. હાલ જો અને તો આધારિત ચર્ચા ચાલી રહી છે.

રાજયસભાની ચૂંટણીમાં અત્યારની સ્થિતિએ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે એક - એક મતની ખેંચતાણ છે.ધારાસભ્યોને રાજકીય રીતે સાચવવા ઉપરાંત તેઓના સ્વાસ્થ્યની પણ પાર્ટીએ કાળજી રાખવી પડે તેવી સ્થિતિ પ્રથમ વખત થઇ છે.

(11:15 am IST)