Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગુજરાત પર સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતી સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રીએ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

કેન્દ્ર સરકારની પૂર્ણ મદદ-સહયોગની ગૃહમંત્રી અમિતભાઇ શાહે ખાતરી આપી:મુખ્યમંત્રી રૂપાણીએ સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાના સામના માટે આગોતરા આયોજનની વિસ્તૃત વિગતોથી કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતગાર કર્યા

અમદાવાદ : કેન્દ્રિય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહે ગુજરાત પર આવનારી સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારોની સજ્જતા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી મેળવી હતી.

  મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લામાં આ સંભવિત વાવાઝોડાની સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનમાં  NDRF ટીમ SDRF ટીમ તૈનાત રાખવામાં આવી છે તેની તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોના, માછીમારો-અગરિયાઓ અને ઝિંગા ફાર્મના લોકોને સલામત સ્થળે સ્થળાંતર સહિતની  તૈયારીઓથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા.
   કેન્દ્રિય ગૃહ મંત્રીએ આ સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના  મૂકાબલા માટે  રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પૂરા સહયોગની ખાતરી આપી હતી.  

  આ વિડીયો ફોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા સહિતના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

(12:04 am IST)